(એજન્સી)
ઈસ્લામાબાદ, તા.૬
ઈરાકમાં અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ પેદા થયેલા તનાવ વચ્ચે અફઘાનિસ્તાન બાદ હવે પાકિસ્તાને પણ કહ્યું છે કે, તે તેની ધરતીનો ઉપયોગ કોઈની વિરૂદ્ધ ઉપયોગ કરવા માટે અનુમતિ નહીં આપે. સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુરે કહ્યું કે, પાકિસ્તાન કોઈ દેશનો પક્ષકાર નહીં બને. પરંતુ તે શાંતિ માટે સહયોગ કરશે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ કહ્યું હતું કે, ર૦૧૪માં અફઘાનિસ્તાન અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી અનુસાર અફઘાનિસ્તાન તેની ભૂમિનો કોઈપણ દેશ સામે ઉપયોગ કરવા મંજૂરી નહીં આપે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા ઈરાન સાથે જોડાયેલ છે. ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાનના સૈન્ય પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુરે કહ્યું કે, ઈરાન-અમેરિકા વચ્ચે તનાવ ચિંતાજનક છે. ઈરાનના જનરલના મોત બાદ ક્ષેત્રિય સ્થિતિમાં બદલાવ આવ્યો છે તેવી સ્થિતિમાં પાકિસ્તાન શાંતિ વ્યવસ્થામાં મદદ કરવા તેની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન ઈમરાનખાનને ટાંકીને તેમણે આ નિવેદન આપ્યું હતું. બીજી તરફ અમેરિકાએ ચેતવણી આપી છે કે, ઈરાનના પર શક્ય મથકો તેના નિશાન પર છે. જો ઈરાન કોઈપણ હુમલાને અંજામ આપશે તો અમેરિકા અત્યાર સુધીના ભીષણ હુમલાને અંજામ આપશે. અમેરિકાના હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર સુલેમાનીના મોતની સાથે અર્ધલશ્કરી દળોના નાયબ વડા પણ માર્યા ગયા હતા. હુમલા બાદ અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ બાજવા સાથે વાત કરી હતી. બાજવાએ સલાહ આપી હતી કે અમેરિકાએ વધુમાં વધુ સંયમ રાખવા સાથે રચનાત્મક અભિગમ અપનાવવો જોઈએ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હાલની ઘટનાઓ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાન શાંતિપૂર્વકના પ્રયાસોને ટેકો આપશે તેમજ મધ્યના દેશોને યુદ્ધ તરફ ધકેલવા નહીં દે. યુનોની ફરજ છે કે તે આ વિસ્તારની એકતા અને સાર્વભૌમત્વની રક્ષા કરે તેમજ આ વિસ્તારમાં બિનજરૂરી લશ્કરી તાકાતનો ઉપયોગ ન કરે.