(એજન્સી)
ઇસ્લામાબાદ, તા. ૨૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને કરોડો ડોલરની સૈન્ય સહાય અટકાવવાના પોતાના પ્રશાસનના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું કે દક્ષિણ એશિયાના દેશને અમેરિકા દ્વારા અબજો ડોલરની સહાય કરવામાં આવી હોવા છતાં પાકિસ્તને અમેરિકા માટે કશું જ કર્યું નથી. ઇસ્લામાબાદને અપાતી સહાયમાં કાપ મૂકવાનો બચાવ કરતા ટ્રમ્પે કહ્યું કે ૨૦૧૧માં અમેરિકી સૈનિકોએ પાકિસ્તાનમાં ત્રાટકીને ઓસામા બિનલાદેનને મારી નાખ્યો તે પહેલા પાકિસ્તાની સત્તાવાળાઓ જાણતા હતા કે લાદેન ક્યાં છે ? ટ્રમ્પની આ ટિપ્પણી બદલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ સામે પ્રહારો કર્યા છે. ઓગસ્ટમાં પાકિસ્તાનની સત્તા સંભાળનાર ઇમરાનખાન તેમના અમેરિકા વિરોધી ઉગ્ર વાકછટા માટે જાણીતા છે. તેમણે શ્રેણીબદ્ધ ટિ્‌વટ કરીને જણાવ્યું કે પાકિસ્તાન સામે ટ્રમ્પ સમક્ષ રેકોર્ડ રજૂ કરવા જોઇએ. ઇમરાનખાને જણાવ્યું કે અમેરિકાએ તેની નિષ્ફળતા માટે પાકિસ્તાનને પ્યાદું કે બલિનો બકરો બનાવવાને બદલે શ્રેણીબદ્ધ મૂલ્યાંક કરવું જોઇએે કે નાટોના ૧,૪૦,૦૦૦ અને ૨,૫૦,૦૦૦ અફઘાન સૈનિકો તેમ જ એક ટ્રિલિયન ડોલર અફઘાન યુદ્ધ પર ખર્ચ કર્યો હોવા છતાં આજે તાલિબાન પહેલા કરતા વધુ મજબૂત શા માટે છે.