(એજન્સી) ઈસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાનનો પ્રમુખ રાજકીય પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની નેતા આયશા ગુલાલાઈએ પક્ષના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર ઈમરાનખાન પર ગંભીર આરોપ મુકતા રાજીનામંુ આપ્યું છે. આયશાએ ઈમરાનખાનને ચરિત્રહીન ગણાવતા કહ્યું છે કે, તે તેમને અને પક્ષની અન્ય મહિલાઓને અશ્લીલ મેસેજ મોકલતા હતા. રાજીનામું આપતા આયશાએ જણાવ્યું કે, મારા માટે મારી ઈજ્જત વધુ મહત્વની છે અને હું મારા સ્વમાન અને ઈજ્જત સાથે સમાધાન કરીશ નહીં. આયશાએ શાહીદ અબ્બાસી પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા તે પહેલા આ અંગે નિવેદન આપ્યું હતું.
આયશાએ ઈમરાનખાન સહિત પક્ષ પર પણ ગંભીર આરોપ મૂકયો હતો કે, પીટીઆઈમાં મહિલા કાર્યકરોને સન્માન મળતંુ નથી અને સ્વમાની મહિલાઓ આ પક્ષમાં કામ કરી શકે નહીં. જોકે પીટીઆઈના નેતા શિરીન મઝારીએ આયશાના તમામ આરોપો ફગાવતા કહ્યું છે કે, તેમને પક્ષ દ્વારા ટિકિટ ન અપાતાં તેઓ આ પ્રકારના આરોપ મૂકી રહયા છે. ઈમરાનખાન તમામ મહિલાઓની ઈજ્જત કરે છે. બીજી બાજુ આયશાએ પણ રાજીનામંુ આપ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં શરીનના દાવાને બકવાસ કહેતા કહ્યું હતું કે, તે સામાન્ય ચૂંટણીમાં એન-એ ૧ સંસદીય બેઠકની ઉમેદવાર હતી. તદુપરાંત આયશાએ પખ્તુનખ્વાના મુખ્યમંત્રી પરવેઝ ખટક પર પણ ભ્રષ્ટાચારનો આરોપ મૂકયો હતો. તેમને માફિયા બોસ કહ્યા હતા. આયશા પાકિસ્તાનની વિધાનસભામાં ફેડરેલી એડમિનિસ્ટ્રેટેડ એરીયાઝ (ફાટા)માં મહિલાઓ માટે સુરક્ષિત બેઠકમાંથી ચૂંટાયા હતા. આયશા ઈમરાનખાન અને પીટીઆઈના પ્રબળ સર્મથકોમાંથી એક હતા. પરંતુ પક્ષના કાર્યકર પદ સાથે એનએ સંસદીય બેઠકમાંથી પણ રાજીનામું આપી દીધું હતુું.