(એજન્સી) ન્યૂયોર્ક, તા. ૨૮
અમેરિકાથી પરત ફરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. પાકિસ્તાનની ચેનલ જીઓ ટીવીના જણાવ્યા પ્રમાણે, એન્જીનમાં આવેલી ટેક્નીકલ ખામીને કારણે ફ્લાઇટને ન્યૂયોર્ક એરપોર્ટ પર ફરીથી ઉતારવામાં આવી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, હાલ કોઈ ચિંતાની વાત નથી.
મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ટેક્નીકલ ખામીને કારણે ફ્લાઇટને ટોરન્ટોથી પરત ન્યૂયોર્ક મોકલવામાં આવી છે. ટેક્નીકલ ખામીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે કેટલો સમય લાગશે તેની કોઈ માહિતી મળી નથી. હવે ટેક્નીકલ સમસ્યા દૂર થયા બાદ જ ઇમરાન ખાન પાકિસ્તાન પરત ફરી શકશે, ત્યાં સુધી તેઓ ન્યૂયોર્કમાં જ રહેશે. ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ બાદ ઇમરાન ખાનને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઇમરાન ખાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની માલિકીના વિમાનમાં પાકિસ્તાન પરત ફરી રહ્યા હતા. તેઓ ક્રાઉન પ્રિન્સના વિમાનમાં જ અમેરિકા પહોંચ્યા હતા. તેઓ સાઉદી અરેબિયામાંથી અમેરિકા જવા માટે રવાના થયા હતા.