(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૧૮
પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ લેતા પાકિસ્તાનના બે દશકો જુના પારંપરિક રાજકીય શાસનના અંત આવ્યો હતો. ઇમરાન ખાને પોતાના ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનીઓનું જીવન ધોરણ બદલી નાખવા અને ભ્રષ્ટાચારને ડામવા માટે વચન આપ્યા હતા. સંસદમાં બહુમતી જીત્યા બાદ ઇમરાન ખાને જણાવ્યું હતું કે, હું વચન આપું છું કે, જે લોકોએ દેશને લૂંટ્યો છે તેમને ન્યાયના કઠેડામાં લાવીશું. પરંપરાગત કાળી શેરવાનીમાં સજ્જ ઉત્સાહિત ઇમરાન ખાન રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન દ્વારા શપથ લેતા હતા તે સમયે શબ્દોમાં ચૂક થતા સ્મિત વેરી દીધું હતું. શપથ સમારોહનું પાકિસ્તાન ટીવી પર લાઇવ પ્રસારણ થઇ રહ્યું હતું.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ઇમરાન ખાને પોતાના શપથમાં કહ્યું કે ત પાકિસ્તાન પ્રત્યે પુરી નિષ્ઠા અને વિશ્વાસ જાળવી રાખશે અને મારી ક્ષમતા મુજબ મારી તમામ ફરજો નિભાવીશ. ઉપરાંત અખંડિતતા, સાર્વભૌમત્વ, એકતા અને પાકિસ્તાનના સુખ અને સમૃદ્ધીના હિતો માટે કામ કરશે.
૨. પૂર્વ ક્રિકેટરે પોતાના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના સાથી ખેલાડીઓમાંથી ત્રણને બોલાવ્યા હતા જેમાં નવજોતસિંહ સિદ્ધુ, સુનિલ ગાવસ્કર અને કપિલ દેવનો સમાવેશ થાય છે. જોકે, ત્રણમાંથી ફક્ત સિદ્ધુ પાકિસ્તાન ગયા હતા.
૩. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પણ બહુમતીથી થોડે દૂર રહી હતી. શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત દરમિયાન ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇએ બહુમતી માટે જોઇતો ૧૭૨નો જાદુઇ આંકડો પાર કરી લીધો હતો અને તેને ૧૭૬ મત પડ્યા હતા.
૪. પીએમએલ-એનના શાહબાઝ શરીફની આગેવાનીવાળા પક્ષે તેમની વિરૂદ્ધ મતદાન કર્યું હતું જેને ૯૬ મતો મળ્યા હતા. ઇમરાન ખાનની જીત સાથે જ પીએમએલ-એન અને ભુટ્ટો પરિવારની ફરતે જ જોવા મળતી પાકિસ્તાનનીરાજનીતિનો પણ અંત આવ્યો છે જેમાં કેટલાક સમયે વચ્ચે સેનાનું શાસન પણ જોવા મળ્યું હતું.
૫. રાજકારણમાં આ બદલાવ લાવવા માટે પૂર્વ ક્રિકેટરે ૨૨ વર્ષ સુધી રાજકીય સઘર્ષ કર્યો હતો. ઇમરાને ૧૯૯૬માં પોતાની પાર્ટીની રચના કરી હતી. તેના ચાર વર્ષ પહેલા જ તેમણે પાકિસ્તાનને ૧૯૯૨નો ક્રિકેટ વિશ્વકપ અપાવ્યો હતો જેના કારણે ઇમરાનને આંતરરાષ્ટ્રીય પ્રશંસા મળી હતી.
૬. ઇમરાનના સુધારાવાદી એજન્ડાને કારણે તેમને બહુમતી તો મળી પરંતુ પાતળી સરસાઇ મળી જેની સામે વિપક્ષ દ્વારા પાકિસ્તાન સેનેટ પર અંકુશ હોવાથી તેણે તેમના પર સેનાના દબાણમાં ચૂંટણી યોજાઇ હોવાનો આરોપ લગાવ્યો હતો.
૭. સંપૂર્ણ બહુમતીથી દૂર અને સેના સાથેના સારા સંબંધોની લોકોમાં સામાન્ય સમજને કારણે આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવી તેમના માટે મુશ્કેલ થઇ શકે છે જેમાં કેટલાક જૂથોના પાકિસ્તાની સલામતી દળો સાથે સારા સંપર્ક છે. આની અસર ભારત સાથે આ દેશના સંબંધોના ભવિષ્ય પર પણ અસર દેખાઇ શકે છે.
૮. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના નિધન બાદ ઇમરાન ખાને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના શ્રેષ્ઠ પ્રયાસો માટે બંને દેશોએ તેમનું સન્માન કરવું જોઇએ.
૯. વડાપ્રધાન મોદીએ ગયા મહિને ઇમરાન ખાનને ફોન કરી પાડોશમાં શાંતિ અને વિકાસની વાત કરી હતી. થોડા દિવસો પહેલા જ ઇમરાને બે દેશો વચ્ચે કરારોની વાત કરતા કહ્યું હતું કે, તમે એક ડગલું આગળ વધશો તો અમે બે ડગલાં વધીશું.
૧૦. જોકે, ઘણા લોકો એવું માની રહ્યા છે કે, ઇમરાન ખાન વણસી રહેલી આર્થિક કટોકટી પર ધ્યાન આપશે. આ માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી અથવા ચીન પાસેથી ફંડ માગી શકે છે.