વૉશિંગ્ટન,તા.૨૨
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકાના પ્રવાસે છે. જોકે, તેમનો આ પ્રવાસ વધારે સારો નથી રહ્યો. પહેલા તો વોશિંગ્ટન એરપોર્ટ પર તેમના સ્વાગત માટે કોઈ મોટા અધિકારી હાજર ન હતાં, હવે જ્યારે રવિવારે તેઓ અહીં એક ઓડિટોરિયમમાં લોકોને સંબોધન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં બલૂચિસ્તાનના સમર્થકોએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. ઇમરાન ખાનનું ભાષણ સાંભળવા માટે અમેરિકામાં રહેલા પાકિસ્તાન મૂળના લોકો મોટો સંખ્યામાં ઓડિટોરિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના અમુક યુવકો પોતાની બેઠક પરથી ઉભા થઈને પાકિસ્તાનના વિરોધમાં નારા લગાવવા લાગ્યા હતા. નોંધનીય છે કે અમેરિકામાં રહેતા બલૂચિસ્તાનના લોકો સતત પાકિસ્તાન વિરુદ્ધ અત્યાચારને લઈને અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમનો આરોપ છે કે પાકિસ્તાન સેના ત્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.
બાદમાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવતા બલૂચિસ્તાનના અમુક યુવકોને ઓડિટોરિયમની બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ઇરાન ખાને પોતાના ભાષણને રોક્યું ન હતું.
નોંધનીય છે કે પોતાની પ્રથમ વિદેશ યાત્રા પહેલા ઇમરાન ખાન પોતાના જ દેશમાં બધી બાજુથી ઘેરાયેલા રહ્યા હતા. પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલૂચિસ્તાનમાં રાજકીય પક્ષો, વર્લ્ડ બલોચ ઓર્ગેનાઇઝેશન (WBO) અને બચોલ રિપબ્લિકન પાર્ટી (BRP)એ જાગૃત્તિ અભિયાન ચલાવ્યું છે. આ તમામ પક્ષો અને સંગઠનોએ ઇમરાન ખાનના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત ૧૦ અમેરિકન સાંસદોએ ૧૯ જુલાઈના રોજ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને એક પત્ર લખીને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.