(એજન્સી) ન્યૂયોર્ક , તા.૨૫
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસમાં તેમની બીજી બેઠકમાં મિત્ર બન્યા છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાશ્મીરમાં ભારતની કાર્યવાહી અંગે યુદ્ધ થઇ શકે છે. કોઇ તબક્કે પરમાણુ શસ્ત્રોથી સુસજ્જ બંને દેશો સામ-સામે આવે તેવી સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી પર ફિદા થઇ ગયા હોવા છતાં તેમણે ભારત અને પાકિસ્તાનને તેમના મતભેદો ઉકેલવાની અરજ કરી છે. પીએમ મોદી વિશે ટ્રમ્પે જણાવ્યું કે તેઓ એમરિકન રોકસ્ટાર એલ્વિસ પ્રેસ્લી જેવા લોકપ્રિય છે. ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ પાંચમી ઓગસ્ટે નાબૂદ કરવામાં આવી ત્યારથી પરમાણુ શસ્ત્રથી સંપન્ન બંને દેશો વચ્ચેની મડગાંઠ વધુ ઘેરી બની છે. કાશ્મીરના લોકોને ૫૦ દિવસથી ૯ લાખ સૈનિકો દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે સામુહિક ધરપકડો કરવામાં આવી છે. હોસ્પિટલો કામ કરી રહી નથી. સંપૂર્ણ ન્યૂઝ બ્લેકઆઉટ છે. હાલમાં ૮૦ લાખ લોકો ખુલ્લી જેલમાં હોવાની બાબત અભૂતપૂર્વ છે. તેમણે એવું પણ કહ્યું કે સૌથી મોટી ચિંતા એ છે કે એક વાર કરફ્યુ ઉઠાવી લેવામાં આવશે તો શું થશે ?