(એજન્સી) ઇસ્લામાબાદ, તા.૨૨
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારત સાથે વણસી રહેલા સંબંધો વચ્ચે પરમાણું હુમલાની ધમકી આપી છે. અમેરિકી અખબાર ધ ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ધમકી આપી હતી. આ સિવાય ઇમરાને કહ્યું હતું કે ભારત સાથે વાતચીત ચાલું રાખવા માંગતા નથી.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સના પ્રમાણે ઇમરાને કહ્યું હતું કે તેની (ભારત) સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. મેં બધુ જ કરી લીધું છે. દુર્ભાગ્યથી હવે હું પાછું વળીને જોઉ છું તો શાંતિ અને સંવાદ માટે જે હું કરી રહ્યો હતો. મને લાગે છે કે તેને તૃષ્ટીકરણ માન્યું છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના મતે ઇમરાન ખાને ચેતવણી આપી છે કે જો ભારતે પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી તો પાકિસ્તાન જવાબ આપવા મજબૂર હશે.
ઇમરાને કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે કાર્યવાહીને યોગ્ય ગણાવવા માટે કાશ્મીરમાં ખોટું અભિયાન શરૂ કરી શકે છે. મારી ચિંતા એ છે કે આ વધી પણ શકે છે અને બે પરમાણુ સશસ્ત્ર દેશો માટે અને દુનિયા માટે આ ખતરનાક હશે.
આ પહેલા ઇમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન માટે કાશ્મીર સુરક્ષાની પ્રથમ પંક્તિ છે. તેની કેબિનેટ એ નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી મોદી જ્યારે આગામી મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે તે દરમિયાન પાકિસ્તાન કાશ્મીરમાં સ્થિતિને રેખાંકિત કરશે. ખાનની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી બેઠક પછી આ ઘટનાક્રમ સામે આવ્યો હતો. મોદી ૨૭ સપ્ટેમ્બરે ઇમરાન ખાન પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.