કરાંચી,તા.૧૮
પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને કપ્તાનપદેથી હાંકી કઢાયા પછી સરફરાઝ અહેમદને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ” ટી-૨૦ ક્રિકેટથી કોઈ ખેલાડીના ફોર્મની ગણતરી ન કરવી જોઈએ. તે માટે ટેસ્ટ અને વનડે ફોર્મેટ જ શ્રેષ્ઠ ફોર્મેટ છે. નેશનલ ટીમમાં વાપસી માટે તેણે ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ.” ગયા મહિને શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટી-૨૦ સીરિઝમાં પાકિસ્તાનનો સફાયો થયો હતો. તે પછી કપ્તાનીની સાથે તેને ટીમની પણ બહાર કરવામાં આવ્યો હતો. આ પછી કરાચીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ પ્રદર્શન થયા હતા.ઇમરાન ખાને મુખ્ય કોચ અને સિલેક્ટર મિસબાહ ઉલ હકનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, મિસ્બાહને કોચ બનાવવાનો નિર્ણય સાચો છે. તે ઈમાનદાર અને નિષ્પક્ષ વ્યક્તિ છે. તેની પાસે રમવાનો લાંબો અનુભવ છે. તેના કોચિંગ હેઠળ ટીમ વનડે અને ટેસ્ટમાં સારું પ્રદર્શન કરશે. તેનામાં નવા ખેલાડીઓને શોધવાની ક્ષમતા છે.