(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે આરોપ લગાવ્યો હતો કે, આગામી લોકસભા ચૂંટણીઓને કારણે ભારતમાં યુદ્ધ ઉન્માદ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેમણે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરવાના પ્રયાસ કર્યા હતા. ગુરૂવારે પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ ભારત સાથે વાતચીત માટે તૈયાર છે.તેઓ નથી ઇચ્છતા કે બંને દેશોવચ્ચે તંગદિલી વધુ વકરે. પોતાના નિવેદન દરમિયાન ઇમરાન ખાને કહ્યું કે, તેમણે બુધવારે સાંજે પીએમ મોદીને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાત થઇ શકી ન હતી. તેમણે કહ્યું કે, શાંતિ માટે પાકિસ્તાન પાયલટને છોડી રહ્યું છે. ઇમરાને ચેતવણી આપતા કહ્યું કે, જો અમે વધુ તીવ્ર બનીશું તો વધારે મોત થશે. અમારી સેનાએ દશકો સુધી યુદ્ધ લડ્યા છે તેઓ યોદ્ધા છે. પરંતુ આને ઉશ્કેરવાનું ભારત કે પાકિસ્તાનના હિતમાં નથી. ઇમરાન ખાને દરમિયાન કાશ્મીરનો રાગ આલાપતા તમામ સ્થિતિ માટે કાશ્મીર વિવાદને જવાબદાર ગણાવ્યો હતો. ઇમરાને કહ્યું કે, આખો મુદ્દો કાશ્મીરને કારણે છે. કોઇપણ કાશ્મીરી નેતા ભારતના નેતા અને તેના વલણને સમર્થન કરતો નથી. હંમેશા તે ફક્ત આઝાદીની માગ કરે છે. ભારતે તેની તપાસ કરવી જોઇએ કે, શા માટે ૧૯ વર્ષના આદિલ અહમદે હથિયાર ઉઠાવ્યા અને પુલવામા જેવી ઘટનાને પાર પાડી.