(એજન્સી) વૉશિંગ્ટન, તા.૨૩
આખરે પાકિસ્તાને અલ કાયદાના સર્વેસર્વા અને એક સમયના દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને લઈને ધડાકો કર્યો છે. વર્ષો સુધી દુનિયાનો આંખોમાં ધુળ નાખતા આવેલા પાકિસ્તાને હવે સ્વિકાર કર્યો છે કે, તેને ઓસામા બિન લાદેન પોતાના ત્યાં છૂપાયો હોવાની જાણકારી હતી. દાયકા સુધી સત્તાવાર રીતે અલ કાયદાના ચીફ ઓસામા બિન લાદેનની પાકિસ્તાનમાં હાજરી વિશે નનૈયો ભણ્યા બાદ હવે ઇમરાને કહ્યું છે કે, પાકિસ્તાની જાસુસી સંસ્થાએ અમેરિકાને મદદ કરી અને તેના કારણે જ તેને ઠાર મારી શકાયો હતો. ઈમરાન ખાનની આ કબુલાત નો સીધો અર્થ એ થાય છે કે અમેરિકામાં ૯/૧૧ હુમલા બાદ ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં છુપાયો હોવાની તેને જાણકારી હતી. અમેરિકાના નેવી સીલ કમાંડૉએ ૨ મે, ૨૦૧૧ના અલ કાયદાના કમાન્ડર બિન લાદેનને અડધી રાત્રે તેના ઘર પર જ રેડ કરીને પાકિસ્તાનમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. પાકિસ્તાને આ બાબતે વર્ષો સુધી રોદણા રોયા કે આ બાબતની જાણાકારી તેમને હતી જ નહીં. રાત્રે ઘરમાં ઘુસીને પાકિસ્તાનને ખબર ન પડે તે રીતે અમેરિકાએ લાદેનને માર્યો એ પાકિસ્તાન માટે ખૂબજ શરમજનક બાબત હતી. આ બાબતને લઈને બંને દેશ વચ્ચે આ ઘટનાને લઇને ખટરાગ પણ પેદા થયો હતો. જો કે, અત્યારે ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસે છે અને ત્યાંની એક સમાચાર ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં પૂછાયું હતું કે તેઓ અમેરિકાને લાદેનની જાણકારી આપનાર ડોક્ટરને જેલમાંથી મુક્ત કરશે કે નહીં ? તો ઇમરાને કહ્યું હતું કે, આ એક ખૂબ જ લાગણીશીલ મુદ્દો છે, કારણ કે પાકિસ્તાનમાં શકીલ આફ્રિદીને જાસૂસ ગણવામાં આવે છે.