(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
ગુજરાત રાજ્ય હજ કમિટીનો કાર્યકાળ પૂર્ણ થયાને એક વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે. તેમ છતાં નવી હજ કમિટીની નિમણૂંક ન થતાં હાજીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાજીઓને પડતી ભારે હાલાકીઓનો તાકીદે ઉકેલ લાવવા અને નવી હજ કમિટીની નિમણૂંક કરવાની માંગ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કરી હતી. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો હતો કે તા.૩૧ મે ર૦૧૯ની સ્થિતિએ ગુજરાત રાજ્ય હજ સમિતિનો કાર્યકાળ છેલ્લે ક્યારે પૂર્ણ થયો છે. તેના અંતર્ગત નવી ગુજરાત હજ કમિટીની નિમણૂક કરવા છેલ્લા એક વર્ષમાં સરકારે કેવા પગલાં લીધા છે. તેમજ ક્યાં સુધી હજ કમિટીની નિમણૂંક કરવામાં આવશે ? તેના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તા.૩૧ મે ર૦૧૯ની સ્થિતિએ રાજ્ય હજ સમિતિનો કાર્યકાળ છેલ્લે તા.ર૮/૭/ર૦૧૮ના રોજ પૂર્ણ થઈ છે. ત્યારે નવી હજ કમિટીની નિમણૂંક કરવાની બાબતે સરકારની સક્રિય વિચારણા હેઠળ છે. ત્યારે બનતી ત્વરાએ હજ કમિટીની નિમણૂક કરવામાં આવશે. એમ મુખ્યમંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું છે. ત્યારે આ મામલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, એક વર્ષથી રાજ્યની હજ કમિટીનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ગત વર્ષે હજ પહેલાં કમિટીનો કાર્યકાળ પૂરો થયો હતો. એટલે હાજીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગતવર્ષે પણ હાજીઓને પરેશાની ભોગવવી પડી હતી. તો આ વર્ષે પણ હાજીઓને પીવાનું પાણી મળતું નથી. એટલે જેમને પાણીની બોટલો ખરીદવી પડે છે. એસી ચાલુ નથી. આવી ઘણી બધી તકલીફો વેઠવાનો વારો હાજીઓને આવ્યો છે. ત્યારે હજ કમિટીના ચેરમેન અને કમિટીના મેમ્બરોની તાકીદે નિમણૂંક કરવામાં આવે તેમજ હાજીઓને પડતી તકલીફોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે. તેમજ હવે હાજીઓ હજથી પરત આવે તયારે તેમને કોઈ અગવડતા ન પડે તે મામલે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી મારી માગણી છે. એમ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું.