(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
માં કાર્ડ હોવા છતાં અમદાવાદની ૧૭ હોસ્પિટલોએ ગરીબ દર્દીઓ પાસેથી નાણાં પડાવતી હોવાની ચોકાવનારી વિગત વિધાનસભામાં બહાર આવી હતી. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે છેલ્લા બે વર્ષમાં ૧૭ હોસ્પિટલોએ માં કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી નાણાં ખંખેર્યાં છે. ગુજરાત વિધાનસભામાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્ન પૂછયો હતો. કે તા.૩૧-પ-ર૦૧૯ની સ્થિતિએ અમદાવાદમાં માં કાર્ડ યોજનાની માન્યતા ધરાવતી હોસ્પિટલોએ દર્દીઓ પાસે માં કાર્ડ હોવા છતાં નાણાં વસુલ્યા હોવાના છેલ્લા બે વર્ષમાં કેટલા બનાવો બન્યા છે. આવી રીતે ગરીબ દર્દીઓ પાસેથી નાણાં ખંખેરતી હોસ્પિટલો સામે સરકારી કેવા પગલાં ભર્યા. તેમજ આવી હોસ્પિટલોને કેટલો દંડ ફટકારવામાં આવ્યો ? પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદની ક્રિષ્ણા શેલ્બી હોસ્પિટલ, બોડીલાઈન હોસ્પિટલ, પારેખ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ, એચસીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, સાલ હોસ્પિટલ સહિત ૧૭ હોસ્પિટલોએ માં કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસે નાણાં વસુલ્યા છે. ત્યારે ૧૭ હોસ્પિટલોને બરતરફ કરી છે. તેમજ દર્દીઓ પાસેથી લીધેલા નાણાં વસૂલીને લાભાર્થીઓને પરત કર્યા છે. જો કે આ હોસ્પિટલોને કોઈ દંડ ફટકાર્યો નથી. એમ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે ગરીબો માટે સરકારે જાહેર કરી અતિ મહત્વપૂર્ણ માં કાર્ડ યોજનાનો અમલ કરવામાં અમદાવાદની ૧૭ હોસ્પિટલોએ નનૈયો ભણી દઈ ગરીબ દર્દીઓની સારવાર નાણાં લઈ કરી છે. ત્યારે સરકાર પણ આવી ગરીબલક્ષી યોજનાનો સાચા અર્થમાં અમલ કરાવે તે જરૂરી છે.

આ ૧૭ હોસ્પિટલોએ માં કાર્ડ યોજનાના લીરા ઉડાડયા

અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, બોડી લાઈન હોસ્પિટલ, પારેખ હોસ્પિટલ, સેવિયર હોસ્પિટલ, શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ (નરોડા) સ્ટાર હોસ્પિટલ, નારાયણ રૂદ્રાલયા હોસ્પિટલ, જી.સી.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર, આનંદ સર્જિકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, એચ.સી.જી. મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ (મીઠાખળી), લાઈફ કેર ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલિક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ સંજીવની હોસ્પિટલ અને સાલ હોસ્પિટલ.

નાણાં પડાવતી હોસ્પિટલોમાં માં કાર્ડ યોજનાનો અમલ કરાવવા ગૃહમાં નીતિન પટેલનું મૌન

અમદાવાદમાં માં કાર્ડ યોજનાની લાભ ના ધરાવતી ૧૭ હોસ્પિટલોએ માં કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી નાણાં વસુલવાનો પ્રશ્ન વિધાનસભામાં ચર્ચામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્ન ઉઠાવનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ચર્ચામાં ભાગ લેતા આરોગ્ય મંત્રીને ઉદ્દેશીને કહ્યું હતું કે ૧૭ હોસ્પિટલોએ માં કાર્ડ ચલાવતી નથી. તો સરકારે આ હોસ્પિટલોને બરતરફ કરી છે. ત્યારે આવી હોસ્પિટલોને બરતરફ કરવાના બદલે જેમની પાસે ફરજિયાત આ યોજનાનો અમલ કરાવે. ઉપરાંત અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં પ થી ૧૦ હજાર સુધીની ડિપોઝીટ કરાવ્યા બાદ જ દર્દીની સારવાર કરવામાં આવે છે. ત્યારે માં કાર્ડવાળા દર્દઓને આવી ડિપોઝીટની રકમ ભરવામાંથી મુકિત આપીને તેમની યોગ્ય સારવાર કરવા રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે આરોગ્યમંત્રી નીતિન પટેલે ચૂપકીદી એવી હતી.