(એજન્સી) ન્યુયોર્ક, તા.ર૪
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકી શહેર હ્યુસ્ટનમાં મંચ શેર કર્યાના એક દિવસ બાદ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન ઈચ્છે તો તે કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. પાકિસ્તાની પીએમ ઈમરાનખાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરતાં પહેલાં મીડિયાનું સંબોધન કરતાં ટ્રમ્પે કહ્યું કે, હું હંમેશા મદદ માટે તૈયાર છું. જો કે, આ તે બન્ને દેશો પર આધાર રાખે છે. હું તૈયાર છું. ઈચ્છુક છું અને સક્ષમ છું. જો બન્ને આવું ઈચ્છે છે તો હું આવું જરૂરથી કરીશ. ટ્રમ્પે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદી અને પીએમ ખાન આ બન્ને સાથેના મારા સંબંધો સારા છે. એક મધ્યસ્થી તરીકે હું કયારેય નિષ્ફળ નથી થયો. મેં પહેલાં પણ આવું કર્યું છે. જો કે, આવું કરવા માટે બીજા પક્ષે પણ મને કહેવું પડશે. ટ્રમ્પ અને મોદી મંગળવારે દ્વિપક્ષીય બેઠક માટે મળનારા છે. જો કે, પાકિસ્તાની મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં અમેરિકી રાષ્ટ્રપતિએ ઓછામાં ઓછું ત્રણ વખત એ સ્પષ્ટ કર્યું કે, તેઓ ત્યારે જ મદદ કરશે કે જ્યારે બન્ને પક્ષ તેના માટે તૈયાર હોય. આ વર્ષે જુલાઈમાં ટ્રમ્પે એવો દાવો કરીને વિવાદ ઊભો કર્યો હતો કે ભારતીય વડાપ્રધાને તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી બનવા કહ્યું છે. જો કે, આ દાવાને ભારતે તરત જ નકારી કાઢયો હતો. ટ્રમ્પે હ્યુસ્ટનમાં આપેલા મોદીના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં વડાપ્રધાને પરોક્ષ રીતે પાકિસ્તાન પર નિશાન તાકતા આતંકવાદની વિરૂદ્ધ નિર્ણાયક જંગ લડવાનું આહવાન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું મેં ગઈકાલે ભારત તરફથી ખૂબ જ આક્રમક નિવેદન સાંભળ્યું. મને ખબર નહોતી કે હું ભારત અથવા પીએમ તરફથી આવું કોઈ નિવેદન સાંભળવાનો છું. પાકિસ્તાન દ્વારા આતંકવાદના મોરચા પર ઉઠાવવામાં આવી રહેલા પગલાંઓ અંગે પ્રશ્ન પૂછાતા ટ્રમ્પે કહ્યું કે, મેં સાંભળ્યું છે કે તેઓ શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે. તમારી પાસે એક મહાન નેતા છે અને આવું જ હોવું જોઈએ નહીં તો માત્ર અરાજકતા અને ગરીબી હશે. જો કે, આ વાતચીત દરમિયાન ઈમરાનખાન મોટેભાગે મૌન ધારણ કરેલા જોવા મળ્યા. તેમણે કહ્યું કે, દુનિયાના એક શક્તિશાળી દેશ હોવાને કારણે અમેરિકાની એક જવાબદારી છે. તેમણે કહ્યું કે, તેઓ ટ્રમ્પને કહેશે કે તેઓ મોદીને કહે કે કાશ્મીરમાં કથિત પ્રતિબંધોને દૂર કરવામાં આવે. ખાને કહ્યું કે, અમેરિકા મદદ કરવા ઈચ્છે છે. જો બન્ને દેશ આવું ઈચ્છે તો જો કે, ભારત તેને નકારી રહ્યું છે. આ જ સંકટની શરૂઆત છે અને આ હજુ પણ મોટું થઈ શકે છે.
ઈમરાનખાનને મહાન નેતા ગણાવી ટ્રમ્પે કહ્યું; આતંકવાદની વિરૂદ્ધ શ્રેષ્ઠ લડત આપી રહ્યું છે પાકિસ્તાન

Recent Comments