(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૮
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓના પરિણામની સત્તાવાર જાહેરાત થઇ છે જેમા ઇમરાન ખાનની પીટીઆઇ ૧૧૬ બેઠકો મેળવી સૌથી મોટી પાર્ટી બની છે. ચૂંંટણી પંચે ૨૭૦ બેઠકોના પરિણામની જાહેરાત કરી હતી. ૨૫મી જુલાઇએ યોજાયેલી ચૂંટણીના પરિણામ મોડા આવતાં અન્ય હારેલા પક્ષોમાં અને નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જેલમાં ગયેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પીએમએલ-એનને ૬૩ અને પૂર્વરાષ્ટ્રપતિ આસિફઅલી ઝરદારીની પીપીપીને ૪૩ બેઠકો મળી હતી જેઓ અનુક્રમે બીજા તથા ત્રીજા ક્રમે રહ્યા હતા. મુત્તાહિદા મજલિસે અમલ પાકિસ્તાન(એમએમએપી)એ ૧૩ બેઠકો સાથે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત ૧૩ અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા જેઓ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પીટીઆઇને સમર્થન આપવા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
કરાચી પર વર્ષો સુધી સત્તામાં રહેનાર મુત્તાહિદા કોમી મુવમેન્ટ પાકિસ્તાન(એમક્યુએમપી) ફક્ત છ બેઠક મેળવી શકી હતી. ચૂંટણી પંચે કયા પક્ષે કેટલા મત મેળવ્યા છે તેની પણ વિગતો આપી હતી. પીટીઆઇએ ૧૬,૮૫૭,૦૩૫ મતો મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યું જ્યારે બીજા નંબરે રહેલી પીએમએલ-એનને ૧૨,૮૯૪,૨૨૫ મતો મળ્યા હતા. પીપીપીને ૬,૮૯૪,૨૯૬ મતો મળ્યા હતા. ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ ૬,૦૧૧,૨૯૭ મતો મેળવી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ધાર્મિક પક્ષોમાં એમએમએપીએ ૨,૫૩૦,૪૫૨ જ્યારે તેહરીકે લબ્બૈક પાકિસ્તાને ૨,૧૯૧,૬૭૯ મતો મેળવ્યા હતા.ચૂંટણી પંચ અનુસાર રાષ્ટ્રીય અને પ્રાંતિય ચૂંટણીઓમાં કુલ ૫૧.૭ ટકા મતદાન થયું હતું. પંજાબ પ્રાંતમાં ૫૫ ટકા, સિંધમાં ૪૭.૬ ટકા, ખૈબર પખ્તુનખ્વામાં ૪૫.૫ ટકા જ્યારે બલોચિસ્તાનમાં ૪૫.૨ ટકા મતદાન થયું હતું. પ્રાંતિય ચૂંટણીઓમાં પીએમએલ-એન પંજાબમાં ૨૯ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી જ્યારે પીપીપીએ ૭૬ બેઠકો મેળવી સિંધમાં મોખરે રહી અને ખૈબર પખ્તુનખ્વામાં પીટીઆઇએ ૬૬ બેઠકો મેળવી સૌથી મોટી પાર્ટી બની છે. બલોચિસ્તાનમાં અવામી પાર્ટી ૧૫ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.

અંતિમ પરિણામ બાદ ઇમરાનખાને ગઠબંધન માટે મંત્રણા આદરી

પાકિસ્તાનમાં ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીઓના સ્પષ્ટ પરિણામ આવી ગયા બાદ પીટીઆઇના પ્રમુખ ઇમરાનખાને ગઠબંધન માટેના પ્રયાસો આદર્યા છે. ઇમરાનખાને આશરે ૧૬.૮૬ મિલિયન જ્યારે નવાઝ શરીફની પીએમએલ-એને ૧૨.૮૯ મિલિયન મતો મેળવ્યા હતા. એક તરફ પીએમએલ-એન વિપક્ષ તરીકે ઉભરી છે જ્યારે પીપીપી કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. આ પહેલા શુક્રવારે વિવિધ પક્ષોની બેઠક યોજાઇ હતી અને પીપીપીએ આ બેઠકમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. પક્ષોએ આ પરિણામ માનવાનો ઇન્કાર કર્યો હતો. સંયુક્ત વિપક્ષી મોરચાએ પારદર્શી ચૂંટણી ફરી યોજવા માગણી કરી હતી. તમામ પક્ષોની બેઠકમાં કહેવાયું હતુંં કે અમે ચૂંટણી પરિણામોને લોકો દ્વારા અપાયેલો જનાદેશ માનતા નથી. દરમિયાન પાકિસ્તાનની ચૂંટણી પર નજર રાખનાર યુરોપિયન યુનિયનના મિશને કહ્યું કે, ચૂંટણી પારદર્શી હતી, સહયોગી સ્ટાફે નિયમોનું પાલન ન કરતા મતગણતરી પ્રક્રીયામાં ઘણી સમસ્યા સર્જાઇ હતી. ઘણા રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા નાણાનો ઉપયોગ કરાયો હતો જેના કારણે ચૂટણી પ્રચાર અભિયાન ખરડાયુ હતું. ઘણી પાર્ટીઓ દ્વારા ચૂંટણી ફરી કરવા અપીલ કરી છે અને જો તેવું ન થાય તો ઇમરાનખાન કોને સાથ લે છે તે જોવાનું રહેશે.