(એજન્સી)                   મદીના, તા.૧૯

દુનિયાની સૌથી પવિત્ર બે મસ્જિદોના નેતૃત્વએ જણાવ્યું હતું કે આ વખતે લગભગ ૧૩,પ૭૫ મુસ્લિમ શ્રદ્ધાળુઓ રમઝાન મહિનાના અંતિમ અશરાના ૧૦ દિવસ માટે મસ્જિદે નબવીમાં એ’તેકાફમાં બેઠા છે. તેમણે જણાવ્યું કે આ કુલ લોકોમાંથી પુરૂષોની સંખ્યા કુલ ૧૧,૪૩ર છે જ્યારે તેમાં મહિલાઓ કુલ ર૧૪૩ જેટલી છે. સચિવાલય હેઠળના અધિકારી સાઉદ-અલ-સાએદીએ દેશની મુખ્ય સમાચાર એજન્સીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ત્રણ વિસ્તારો પુરૂષો માટે ફાળવવામાં આવ્યા છે જ્યારે એક વિસ્તાર મહિલાઓ માટે ફાળવવામાં આવ્યો છે. જો કે બંને વિસ્તારોમાં સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત કર્મચારીઓ તૈનાત કરાયા છે અને તેમને દરેક પ્રકારના ટેકનિકલ સાધનો પણ પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે અહીં એતેકાફમાં બેસેલા દરેક લોકોની ઈલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા નોંધણી કરવામાં આવી છે અને અહીં નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. જેમ કે સમગ્ર પરિસરને સ્વચ્છ રાખવું, અન્ય શ્રદ્ધાળુઓને હેરાન કરવા નહીં, મસ્જિદની દીવાલો તથા ફર્નિચરને  નુકસાન પહોંચાડવું નહીં અને ઈદ-ઉલ-ફિત્રની રાતની ઈશાની નમાઝ સુધી તેમના રોકાણને સમાપ્ત કરી દેવું વગેરે. અલ-સાએદીએ વધુમાં જણાવ્યું કે આગામી વર્ષે મસ્જિદે નબવીમાં એતેકાફ કરવા માંગતા લોકો મસ્જિદમાં આવે તે પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લે અને તેમનું કાર્ડ મેળવી લે. તમને જણાવી દઈએ કે ઈમરજન્સી સેનાનો વિભાગ મદીનામાં કિંગના નિર્દેશ હેઠળ કામગીરી કરી રહ્યું છે, જો કે આ મામલે રાજકુમાર અને ડેપ્યુટી રાજકુમાર પણ આ બંને મસ્જિદોની મુલાકાત લઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ રમઝાન મહિનાની ઉજવણી માટે મોટાભાગના મુસ્લિમ શ્રદ્ધાળુઓ મદીના અને મક્કાની ઝિયારત માટે સઉદી અરબ પહોંચે છે.