અમદાવાદ,તા.૯

સલામત ગુજરાત દાવો કરી ગુજરાત મોડેલ દેશભરમાં વાહવાહી કરતી ભાજપ સરકારના શાસનમાં એક જ વર્ષમાં કોમી તોફાનો વધ્યા  હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. વર્ષ ર૦૧૪માં સરકારે રૂા.૪૯ હજાર જેટલી સહાય કોમી તોફાનોમાં આપી હતી. આ સહાયની રકમ વર્ષ ર૦૧૬માં વધીને રૂા.ર૪.૪૧ લાખ  થઈ ગઈ છે. એનો મતલબ એ કે કોમી તોફાનોમાં સહાયનો આંકડો વધ્યો એટલે કોમી તોફાનો પણ રાજયમાં વધ્યા છે.

ગુજરાત વિધાનસભાની મંગળવારે મળેલી ખાસ બેઠકમાં અતારાંકિત પ્રશ્નોતરીમાં તા.૩૧ નવેમ્બર  ર૦૧૬ની સ્થિતિએ રાજયમાં કુદરતી આફત માર્ગ અકસ્માત કોમી તોફાનોમાં મરનારા વ્યકિતના વારસદારોને વ્યકિતદીઠ કેટલી સહાય કે વળતર ચૂકવવામાં આવી છે અને છેલ્લા પાંચ  વર્ષમાં કેટલી રકમ  ચૂકવવામાં આવી તેવો પ્રશ્ન પૂછાયો હતો. જેના  જવાબમાં રાજય સરકારે લેખિતમાં જણાવ્યું છે કે કોમી તોફાનોમાં મૃત્યુ પામનારાને રૂા. એક લાખની સહાય અને રૂા. પાંચ હજારથી વધુમાં વધુ રૂા.પ૦ હજાર  કોમી તોફાન સહાયનું ધોરણ છે. જેમાં વર્ષ ર૦૧રમાં રૂા.૪.૩ર લાખ, વર્ષ ર૦૧૩માં રૂા.૧ લાખ, વર્ષ ર૦૧૪માં રૂા.૪૯ હજાર  વર્ષ ર૦૧પમાં કોઈ સહાય ચૂકવાઈ નથી. જયારે વર્ષ ર૦૧૬માં કોમી તોફાનોમાં રૂા.ર૪.૪૧ લાખની સહાય કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ર૦૧રમાં રૂા.૪.૩ર લાખની સહાયનો આંકડો હતો જે વર્ષ ર૦૧પમાં ઘટતા ઘટતા શૂન્ય થઈ ગયો હતો. ત્યારે વર્ષ ર૦૧૬માં આ આંકડો રૂા.ર૪.૪૧ લાખે પહોંચી ગયો છે. એટલે રાજયમાં વર્ષ ર૦૧૬માં કોમી તોફાનો વધ્યા છે.