(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
સુરતના ડિંડોલી વિસ્તારની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારની કોર્ટમાં આજથી ઇનકેમેરા ટ્રાઇલ શરૂ થવા જવા પામી હતી. પાંચ વર્ષીય માસુમ સાથે જઘન્ય અપરાધ કરનારને ઝડપથી સજા થાય અને પિડીતાના પરિવારને ન્યાય મળે તે માટે કોર્ટમાં આ કેસની પ્રતિદિન સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુરત જિલ્લાના મુખ્ય ન્યાયધીશની કોર્ટમાં આગામી તા. ૯મી જાન્યુઆરી સુધી ચાલનારી કેસની સુનાવણી ઇન કેમેરા યોજાશે. પ્રતિદિન સરેરાશ પાંચ સાક્ષીઓની કોર્ટમાં જુબાની લેવામાં આવશે.
શહેરના ડિંડોલીમાં ત્રણ માસ અગાઉ પાંચ વર્ષીય માસુમનું ચોકલેટની લાલચે અપહણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યાની કોશીશ થઇ હતી. આ જઘન્ય અપરાધ કરનારા આરોપી રોશન ભૂમિહારને ગણતરીના સમયમાં જ પકડી પાડ્યો હતો. હવસખોર રોશનને પકડી પાડી તેની ઉલટતપાસમાં બાળકીનું લોકેશન જાણવા મળ્યું હતું. દારૂના નશામાં ધૂત બની રોશને નવાગામ તળાવ પાસે અવાવરું સ્થળે સિમેન્ટના મોટા પાઇપમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું કહેતા પોલીસે તેને લઇ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. અહીં બાળકી લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. તુરંત તેણીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જઇ માસુમની જિદંગી બચાવી લેવાઇ હતી. આ કેસમાં ઝડપથી સુનાવણી શરૂ થાય તે માટે પોલીસને ફટાફટ ચાર્જશીટ રજૂ કરવા સરકારે આદેશ કર્યો હતો. માસુમ બાળકીના પરિવારને ન્યાય અપાવવા ડીજીપી નયન સુખડવાલાની વિશેષ નિમણૂંક કરી હતી. સાથોસાથ એડવોકેટ પ્રતિભા દેસાઇ દ્વારા આ કેસમાં ફરિયાદ પક્ષે દલીલ કરવામાં આવશે. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી, ફોરેન્સિક એક્સ્પર્ટ સહિત ૧૯ જેટલા પંચો અને સાક્ષીઓની આવતીકાલથી સળંગ ચાર દિવસ કોર્ટમાં સુનાવણી શરૂ થવા જઇ રહી છે. આ ચકચારીત કેસની સુનાવણી આજથી કોર્ટ રૂમમાં ઇનકેમેરા ચાલુ થઇ હતી.
તેણીના ભાઈએ જ લાજ લૂંટી હતી
શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક પાંચ વર્ષીય બાળકી ઉપર તેણીના જ ૧૬ વર્ષીય ભાઇએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા હતી.આ ઘટનામાં પોલીસે માત્ર ૩૩ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસની આગામી બુધવારથી કોર્ટમાં સુનાવણી શરૂ થનાર છે.આ કેસમાં પોલીસે ૩૦૪ પાનાની રજૂ કરેલી ચાર્જશીટમાં ૪૩ સાક્ષીઓ અલબત્ત સાહેદોના નિવેદનો રેકર્ડ ઉપર લીધા હોવાનું જાણવા મળે છે.