માઉન્ટ મોન્ગાનુઇ,તા.૨૮
વિરાટ કોહલીના સુકાનીપદ હઠળ ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ સીરિઝ હાંસલ કરી છે. આ વખતે એણે ન્યૂઝીલેન્ડને એની જ ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં ધૂળચાટતું કરી દીધું છે. આજે અહીં બૅ-ઓવલ મેદાન ખાતે રમાઈ ગયેલી સીરિઝની ત્રીજી વન-ડે મેચમાં ભારતે ગૃહ ટીમને ૭-વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે સીરિઝને ૩-૦થી પોતાના કબજામાં લઈ લીધી છે. ચોથી મેચ ૩૧ જાન્યુઆરીએ હેમિલ્ટનમાં અને પાંચમી તથા છેલ્લી મેચ ૩ ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે. મોહમ્મદ શમીએ નવ ઑવરમાં ૪૧ રન આપી ત્રણ વિકેટ મેળવી. તેના આ ઉત્ક્રૃષ્ટ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.
આજની મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગૃહ ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમના માટે રોસ ટેલરે સર્વાધિક ૯૩ રન કર્યા હતા. તે ઉપરાંત ટોમ લેથમે ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. ટેલર અને લેથમે ચોથી વિકેટ પર ૧૧૯ રનની ભાગીદારી નોંધાવી હતી.
આ બંને સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન કંઇ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. ભારત માટે મોહમ્મદ શમીએ ૩ વિકેટ તેમજ ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ ૨-૨ વિકેટ લીધી હતી. જયારે કોહલીએ બ્રેસવેલને ૧૫ રને રનઆઉટ કર્યો હતો.
રોહિત શર્મા (૬૨) અને શિખર ધવન (૨૮)ની ઓપનિંગ જોડી ૩૯ રનના સ્કોર પર તૂટ્યા બાદ વિરાટ કોહલી અને રોહિતે મળીને સ્કોરને ૧૫૨ રન પર પહોંચાડ્યો હતો. રોહિત ૭૭ બોલમાં ૩ ચોગ્ગા, બે છગ્ગા સાથે ૬૨ રન કરીને આઉટ થયો હતો. કોહલીએ આજે પોતાની કારકિર્દીની ૪૯મી હાફ સેન્ચુરી ફટકારી હતી.૧૬૮ રનના સ્કોર પર કોહલી (૬૦) આઉટ થયા બાદ અંબાતી રાયડુ (૪૦ નોટઆઉટ) અને વિકેટકીપર દિનેશ કાર્તિક (૩૮)ની જોડીએ વધુ નુકસાન થવા દીધું નહોતું. બંનેએ ૭૭ રનની અતૂટ ભાગીદારી કરી હતી.

ભારત છેલ્લી ૧૩માંથી ૧૨ દ્વિપક્ષત સિરીઝ જીત્યું

૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતે ૧૩માં ૧૨ બાઈલેટરલ સિરીઝ જીતી છે. આ સમય દરમિયાન, ઘરથી દૂર, વિદેશમાં ભારતે ૭માંથી ૬ સિરીઝ જીતી છે. ઇંગ્લેન્ડ સામે જૂનમાં ભારત ૧-૨ થી સિરીઝ હાર્યું હતું. તેને બાદ કરતા ભારતે બધી સિરીઝ આસાનીથી જીતી હતી.