(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
અમેરિકા આગામી નવેમ્બરથી ઈરાન પર નવા પ્રતિબંધ લાદવા જઈ રહ્યું છે. ભારત ટ્રમ્પ પ્રસાશનને કરેલી ઓફરનો લાભ લેવા ઈરાનથી થતી ક્રુડ ઓઈલની આયાત ભારત ઘટાડશે. ભારતની ઓઈલ કંપનીઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઈરાન પાસેથી દર મહિને કરવામાં આવતી ક્રુડ ઓઈલની આયાત પ્રારંભિક માસની સરખામણીએ લગભગ અડધી કરી દેશે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઈરાનથી આયાત ૨ કરોડ ૪૦ લાખ બેરલ ઘટી જેને કારણે વર્તમાન સ્થિતિને અગાઉથી પારખી લઈ એપ્રિલથી ઓગષ્ટ વચ્ચે જ વધારે ક્રુડ ઓઈલની ખરીદી કરી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી શક્તિશાળી દેશો સાથે ૨૦૧૫માં કરવામાં આવેલી ન્યૂક્લિયર સંધીમાંથી ઈરાન ખસી ગયા બાદ અમેરિકા તેના પર પ્રતિબંધો ફરીથી લાગુ કરી રહ્યું છે. વોશિંગ્ટન ૬ ઓગષ્ટથી કેટલાક નાણાંકિય પ્રતિબંધ લાગુ કરી ચુક્યું છે જ્યારે ઈરાનમા પેટ્રોલિયમ સેક્ટરને ગંભીર અરસ પહોંચાડતા પ્રતિબંધો ૪ નવેમ્બરથી લાગુ થશે.
આ પ્રતિબંધોની ઈરાન પર ગંભીર અસરો થઈ શકે છે. ચીન બાદ ભારત ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદદાર છે. જોકે ભારત અમેરિકી પ્રતિબંધોને મહત્વ આપવા નથી માંગતું પણ વોશિંગ્ટન તરફથી પ્રતિબંધના બદલામાં મળી રહેલી છૂટનો લાભ ખાટવાનો પ્રયાસ સાથે અમેરિકા સાથે સંબંધોનું સંતુલન સાધવા માંગે છે. જેથી કરીને અમેરિકી નાણાંકિય તંત્ર સાથે પોતાની હિતોને સુરક્ષીત રાખી શકે.
જૂન મહિનામાં પેટ્રોલિયમ મંત્રાલયે રિફાઈનરીઓને કહી દીધું હતું કે, તે નવેમ્બર મહિનામાં ઈરાન પાસેથી ક્રુડ ઓઈલમાં મોટા કાપની તૈયારીઓ કરી લે અને શક્ય હોય તો આયાત ના કરવા માટે પણ તૈયાર રહે.
ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રંમ્પ પ્રશાસને કહ્યું છે કે, તે ભારત જેવા કેટલાક ઈરાન સાથે ક્રુડ ઓઈલની આયાત પર પ્રતિબંધમાં થોડી છુટછાટ આપી શકે છે, પરંતુ તેમને હાલ પુરતી ઈરાન પાસેથી થતી આયાત રોકવી પડશે. ગત સપ્તાહે દિલ્હીમાં થયેલી ૨+૨ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આ વાત કરી હતી.