(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ બંને અલગ દેશો હોવા છતાં બંને દેશો સહકાર અને સમજથી જોડાયેલા છે. અમારા હિત જોડાયેલા છે. વડાપ્રધાન મોદી અને તેમના બાંગ્લાદેશનાં સમકક્ષ શેખ હસીના સાથે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી બીરભૂમ જિલ્લાના શાંતિનિકેતનમાં વિશ્વ ભારતીય યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં સામેલ થયા. મોદી અને શેખ હસીનાએ અહીં બાંગ્લાદેશ ભવનનું ઉદ્‌ઘાટન કર્યું. કાર્યક્રમમાં મંચ પર મોદી, શેખ હસીના, મમતા બેનરજી અને યુનિવર્સિટીના ઉપકુલપતિ સબુજકોલી સેેન ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું કે સંસ્કૃતિ હોય કે જાહેર નીતિ બંને દેશના લોકો એક-બીજાથી ઘણું શીખે છે અને તેનું એક ઉદાહરણ બાંગ્લાદેશ ભવન છે. સેન્ટ્રલ યુનિવર્સિટીના આચાર્ય કે ચાન્સલર મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોના પ્રતીક બાંગ્લાદેશ ભવનનું શેખ હસીના સાથે ઉદ્‌ઘાટન પણ કર્યું હતું. યુનિવર્સિટીના કેમ્૫સમાં બાંગ્લાદેશ દ્વારા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અહીં કોઇ પણ પ્રકારની અસુવિધા માટે હું જવાબદાર છું. હું અહીં અતિથિ તરીકે નહીં પરંતુ આચાર્ય તરીકે આવ્યો છું. લોકતંત્ર જ આ દેશના આચાર્ય છે. તેમણે એવું પણ કહ્યું કે સર્વપ્રથમ હું વિશ્વભારતીના ચાન્સલર તરીકે માફી માગું છું. જ્યારે હું આવી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ મને કહ્યું કે અહીં પીવાના પાણીની સમસ્યા છે. હું તમારા બધાને થયેલી અસુવિધા માટે માફી માગું છું. તેમણે કહ્યું કે દુનિયાની ઘણી યુનિવર્સિટીઓમાં ટાગોર આજે પણ અધ્યયનનો વિષય છે. ગુરૂદેવ અગાઉ પણ વૈશ્વિક નાગરિક હતા અને આજે પણ છે.
વડાપ્રધાને કહ્યું કે ૧૨૫ કરોડ દેશવાસીઓએ ૨૦૨૨ સુધી ન્યૂ ઇન્ડિયા બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પની સિદ્ધિમાં શિક્ષણ અને શિક્ષણ સાથે જોડાયેલા તમારા જેવા મહાન સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આવી સંસ્થાઓમાંથી નીકળેલા જવાનો દેશને નવી ઊર્જા અનેે એક નવી દિશા આપે છે. તેમણે કહ્યું કે ગુરૂદેવના વિઝનની સાથે ઇન્ડિયાની જરૂરિયાતો મુજબ આપણી શિક્ષણ વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત છે. તેમણે કહ્યું કે હું જ્યારે મંચ તરફ આવી રહ્યો હતો ત્યારે વિચારી રહ્યો હતો કે ક્યારેક આ ભૂમિ પર ગુરૂદેવના પગ પડ્યા હશે. અહીં ક્યાંક આસપાસ બેસીને તેમણે શબ્દોને કાગળ પર ઉતાર્યા હશે. ક્યારેક ગાંધીજી સાથે લાંબી ચર્ચા કરી હશે. ક્યારેક કોઇ વિદ્યાર્થીને જીવનનો અર્થ સમજાવ્યો હશે.

કરોડો રૂપિયાનું ભારતમાં બનેલું બાંગ્લાદેશ ભવન શું છે ?
૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ બાંગ્લાદેશ ભવનનું નિર્માણ બાંગ્લાદેશની સરકારે કરાવ્યું છે. જ્યારે ૧૦ કરોડ રૂપિયા વધુ મ્યુઝિયમ અને તેના પરિસરના સમારકામ માટે પણ આપવામાં આવ્યા છે. બાંગ્લાદેશ ભવન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. આ ભવનમાં એક મ્યુઝિયમ હશે જ્યાં રવિન્દ્રનાથ ટાગોર સાથે સંબંધિત વસ્તુઓને ખાસ સ્થાન આપવામાં આવશે. એ ઉપરાંત આ મ્યુઝિયમમાં બાંગ્લાદેશની સ્વતંત્રતા સંગ્રામ અને ભારત-બાંગ્લાદેશ સંબંધો સાથે જોડાયેલી વસ્તુઓ પણ હશે.