સિડની, તા.૧૯
આઈસીસીની ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વન-ડે લીગનો પ્રસ્તાવ જો મંજૂર થઈ જશે તો બે દેશો વચ્ચે રમાનારી પાંચ વન-ડે મેચોની સિરીઝ સમાપ્ત થઈ જશે. આ વાત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ સદરલેન્ડે કહી છે તેમણે કહ્યું કે એવું બની શકે કે તમે ભવિષ્યમાં બે દેશો વચ્ચે વધુથી વધુ ત્રણ વન-ડે સિરીઝ જ જોઈ શકો અથવા બની શકે કે આના સ્થાને ટ્‌વેન્ટી-ર૦ મેચ રમાય તેમણે કહ્યું કે વન-ડે ક્રિકેટને લઈ યોજના એવી છે કે દરેક ટીમ પોતાના ઘરમાં ૬ મેચ રમશે અને ઘરની બહાર પણ ૬ મેચ રમશે. પ્રસ્તાવિત વન-ડે લીગ ચાર વર્ષમાં રમાનાર વિશ્વકપની વચ્ચે હશે જે બે વર્ષ સુધી ચાલશે અને કુલ ૧૩ ટીમો આમાં હિસ્સો લેશે. ત્રણ મેચોની સિરીઝથી ટીમને પોઈન્ટ મળશે અને ટોચની ટીમ પ્લે ઓફ રમશે જેમાંની ચેમ્પિયન વન-ડે ટીમનો નિર્ણય થશે.
વર્ષ ર૦ર૦માં આનો અમલ કરવાનો પ્રસ્તાવ છે. સાથે જ આ લીગ વિશ્વકપની ક્વોલિફીકેશન ટુર્નામેન્ટ પણ બની શકે છે. જો કે આને આઈસીસીની માન્યતા મળવી જરૂરી છે. જો આ લીગને માન્યતા મળી જશે તો એ પણ સંભવ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝ પાંચ વન-ડે મેચોની અંતિમ સિરીઝ હશે.