(એજન્સી) નવી દિલ્હી, તા.૪
સુપ્રીમ કોર્ટે દેશના ૧૬ રાજ્યોમાં આદિવાસીઓ અને વન નિવાસીઓને જમીનો ખાલી કરવા આદેશ આપ્યો હતો. એ આદેશના વિરોધમાં આજે દલિતો અને આદિવાસીઓએ ભારત બંધનું એલાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે આદેશ ૧૩મી ફેબ્રુઆરીએ બહાર પાડ્યો હતો, પણ લેખિતમાં આદેશ ર૦મી ફેબ્રુઆરીએ બહાર પાડ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશમાં એ આદિવાસીઓ અને વન નિવાસીઓને જમીન અને મિલકતો ખાલી કરવા આદેશ આપ્યો હતો. જેમના માલિકી દાવાઓ રાજ્ય સરકારે રદ્દ કર્યા હતા. અમુક એનજીઓ અને ચળવળકારીઓએ ફોરેસ્ટ રાઈટ્‌સ એક્ટ ર૦૦૬ને પડકારી આદિવાસીઓ અને વનનિવાસીઓ પાસેથી જમીનો ખાલી કરવા માગણી સાથે અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલો ગેરહાજર રહેતા કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે જો કે, આદેશને સુધારવા સુપ્રીમ કોર્ટ સમક્ષ રિવ્યુ અરજી દાખલ કરી હતી. કોર્ટે રાજ્યોને સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું પણ એ પછી મામલો પાછો ખેંચ્યો હતો. આદિવાસીઓ ફોરેસ્ટ રાઈટ્‌સ એક્ટની પુનઃ સ્થાપના માટે માગણી કરી રહ્યા છે. દલિતો પણ આદિવાસીઓને સમર્થન આપવા એમની સાથે જોડાયા છે. આ કાયદાની પુનઃ સ્થાપના સાથે દલિતો રોસ્ટર સિસ્ટમની વિરૂદ્ધમાં વટહુકમ બહાર પાડવાની માગણી કરી રહ્યા છે. બંધ સંબંધિત વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે યોજાશે.