(એજન્સી) બેજિંગ, તા.૪
સિક્કિમ સરહદ પર ભારત અને ચીન વચ્ચે કેટલાક દિવસોથી તણાવ ચાલી રહ્યો છે. જેના પગલે બંને દેશોની સેના સામસામે આવી ગઈ છે. ચીનનો બુદ્ધિજીવી વર્ગ તો બંને દેશ વચ્ચે યુદ્ધ થવાની પણ શક્યતા વ્યક્ત કરી ચૂક્યો છે.
આ બધી ઘટનાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહના અંતમાં જર્મનીમાં યોજાનારા જી-૨૦ સંમેલનમાં ભાગ લેશે. જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. જોકે જાણકારો માને છે કે, બન્ને દેશો વચ્ચે સરહદના મુદ્દે યોગ્ય સમાધાન નહીં આવે તો સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે.
દરમિયાન ચીનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે જણાવ્યું કે, જી-૨૦ સમિટ વિશ્વના પાંચ મોટા અર્થતંત્રો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાના વડાઓ વચ્ચે થનારી ઔપચારિક વાતચીતનો એક ભાગ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બેજિંગથી રશિયા અને જર્મની પ્રવાસ માટે રવાના થઇ ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે, જર્મનીના હેમ્બર્ગમાં આગામી ૭ અને ૮ જુલાઇએ જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
ચીન ભારતના સિક્કિમ વિસ્તારના ડોંગલાંગ સેક્ટરમાં રસ્તો બનાવી રહ્યું છે. આ વિસ્તારને ડોકલામ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સરહદી વિસ્તારમાં ચીન માર્ગ નિર્માણ કરી રહ્યું છે તે વિસ્તારનો એક હિસ્સો ભૂતાન પાસે પણ છે.
ભારત સિવાય આ વિસ્તારને લઇને ચીનનો ભૂતાન સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે. ચીન અને ભૂતાન વચ્ચે આ સરહદી વિસ્તારને લઇને ૨૪ વાર વાતચીત થઇ ચૂકી છે. જો કે આ સમસ્યાનું કોઈ સકારાત્મક સમાધાન શોધી શકાયું નથી.