(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી તેલ આયાત કરવાની મુક્તિ આપી હતી. જે મુક્તિ ૧લી મેથી રદ કરાઈ હતી. આ ઘટના પછી ઈરાનના વિદેશી મંત્રી ઝરીફે ભારતની મુલાકાત લીધી છે.
ભારતે ઈરાનને જણાવ્યું છે કે તેલની આયાત બાબતનું નિર્ણય ભારતની નવી સરકાર કરશે. ચૂંટણી પછીની નવી સરકાર બધા પાસાઓ જેમ કે વાણિજ્યિક બાબતો, ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતોનું મૂલ્યાંકન કરવામાં આવશે. ભારતે પહેલા જણાવ્યું હતું કે ઈરાનથી તેલની આયાત બાબત આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે પણ પહેલી વખત આ નિર્ણય આગામી સરકાર ઉપર છોડ્યું છે.
આ માહિતી ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઝરીફને ગઈકાલની મીટિંગમાં આપી હતી. ઝરીફ અહીં આવતા પહેલાં રશિયા, ચીન, તુર્કમેનિસ્તાન અને ઈરાક જઈ આવ્યા છે. અમેરિકા સાથે વધતી તંગદિલીના પગલે ઝરીફ આ દેશોની મુલાકાતે આવ્યા છે.
સ્વરાજ સાથે મુલાકાત કર્યા પછી ઝરીફે ટ્‌વીટ કરી લખ્યું. તુર્કમેનિસ્તાન અને ભારત સાથે થયેલ મુલાકાત ઘણી જ સારી રહી છે. જે અમારા ખરા પાડોશીઓ છે. એ રાષ્ટ્રીય સુરક્ષા, સ્થિરતા, શાંતિ, સહયોગ પ્રત્યે વધુ સજાગ છે. ઈરાન એમની સાથે સંપૂર્ણ ભાગીદારી નિભાવશે.