(એજન્સી) ન્યુયોર્ક, તા.૩૦
અમેરિકાએ ભારત ઉપર આક્ષેપો મૂકયા છે કે, સરકાર કહેવાતા ગૌરક્ષકો સામે કાયદાકીય પગલાં લેતું નથી. ગૌરક્ષકો ગૌહત્યા રોકવા માટે ગૌહત્યાની શંકા અને બીફ રાખવા બદલ મુસ્લિમો ઉપર હુમલાઓ કરે છે. એ પ્રકારની સંખ્યાબંધ હત્યાઓના સમાચારો મળ્યા છે. જે ધર્મપ્રેરિત હતી. અમેરિકાના ઈન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ રિપોર્ટમાં જણાવાયું છે કે, સરકાર હિંસા આચરનારાઓ સામે કોઈ પગલાં લેતી નથી. હુમલાઓ મોટાભાગે મુસ્લિમો સામે જ કરવામાં આવ્યા હતા. જેમની ઉપર ગૌહત્યા, પશુઓનો વેપાર અથવા બીફ ખાવાની શંકાઓ હતી. સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે, ધર્મપ્રેરિત હત્યાઓ, હુમલાઓ, રમખાણો, ધર્મના પાલનમાં અવરોધો ઊભા કરવાના, ભેદભાવ, મિલકતો ઉપર હુમલાના સંખ્યાબંધ બનાવો બન્યા છે. મોટાભાગે મુસ્લિમો અને ક્રિશ્ચિયનોને જ લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. લઘુમતી ધાર્મિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓના સભ્યોએ જણાવ્યું છે કે, હાલની સરકાર હેઠળ ધાર્મિક લઘુમતી કોમ પોતાને વધુ અસુરક્ષિત અનુભવી રહી છે. હિન્દુ કટ્ટરપંથીઓનો પ્રભુત્વ વધી રહ્યું છે. જેના લીધે બિનહિન્દુઓ અને એમના ધાર્મિક સ્થળો ઉપર હિંસા કરાઈ રહી છે. વિદેશી પત્રકારોની મીટિંગમાં ચર્ચા કરાઈ હતી. જેમાં ભારતની ટીકા કરવામાં આવી હતી અને આક્ષેપો કરાયા હતા કે, વિવિધ કોમો પ્રત્યે વધુ પ્રમાણમાં ધાર્મિક હિંસા આચરાઈ હતી. અમોએ ભારત સરકારને લઘુમતીઓની સુરક્ષા માટે પગલાં લેવા કહ્યું છે. ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ બાબત ગંભીર નોંધ લઈ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને પગલાં લેવા આદેશો કર્યા છે.