(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
વર્ષ-ર૦રરમાં આઝાદીના ૭પ વર્ષ પુરા થાય છે ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પને સિદ્ધ કરવામાં ઈઝરાયલની કૃષિ ટેકનોલોજી અત્યંત સહાયરૂપ બનશે. નાની-નાની બાબતો વિશે વિચારવાથી મોટું પરિણામ મેળવી શકાય છે તેની સમજ આપતા વડાપ્રધાન મોદીએ કૃષિ કચરાને બાળી નાંખવા કરતા કચરામાંથી કંચનનું સર્જન કરવા વિચારવા ઉપર ભાર મુક્યો હતો. તેમજ ઈઝરાયલ અને ભારતના સંબંધો કૃષિ વિકાસ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવશે. એમ વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલની મુલાકાત વેળા નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીશ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી કૃષિ આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી આગળ વધે તે દિશામાં આપણા પ્રયાસો છે. કિસાનોએ આધુનિક ટેકનોલોજી બજાર આધારિત ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન, પાણીના બૂંદ-બૂંદનો આયોજનબધ્ધ ઉપયોગ, ઓછામાં ઓછો કૃષિ વેસ્ટ અને કૃષિ વેસ્ટ મેનેજમેન્ટમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આધુનિક કૃષિ માટે વિચારવું પડશે. આ માટે વહરડાનું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ અને કચ્છમાં શરૂ થઇ રહેલું ખારેક માટેનું વદરાડનું સેન્ટર ફોર એક્સેલન્સ શ્રેષ્ઠ સહાયરૂપ સાબિત થશે. ખળખળ વહેતા પાણીથી કૃષિ કરવાના વિચારને બદલે પ્રત્યેક બૂંદ દ્વારા વધુ પાક ઉત્પાદન વિશે વિચારવું પડશે. તેમણે પાણી અને પરિશ્રમના બચાવ ક્ષેત્રે વિચારવા કિસાનોને અનુરોધ કર્યો હતો. કૃષિ ઉત્પાદનમાં ગુણવત્તા અને સજીવ ખેતી આજના વિશ્વની માંગ છે એ દિશામાં આગળ ધપવા દેશભરના કિસાનોને આહવાન કરી પ્રધાનમંત્રીએ ગુજરાતના આ બંને સેન્ટર ઓફ એક્સેલન્સને દેશભરના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ’’ધન્યવાદ મેરે પ્યારે દોસ્ત ’’ કહીને અભિવાદન કર્યુ હતુ. તેમણે ઇન્ડો-ઇઝરાયલ પાર્ટનરશીપને ‘‘અમેઝીંગ પાર્ટનરશીપ’’ ગણાવી જણાવ્યું હતું કે બંને દેશોનો સહયોગ વિકાસને નવી ઉંચાઇ આપશે. તેમણે ઇઝરાયલના સહયોગથી તૈયાર થયેલા વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સના માર્ગદર્શન દ્વારા ગુણવત્તાલક્ષી વધુ ઉત્પાદન મેળવ્યું છે તે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. ઇઝરાયલ અને ભારત દ્ભર્હુઙ્મીઙ્ઘખ્તી ૈજ કેંેિી ની નીતિમાં માને છે. ભારત પાસે વિઝન છે…. ભારત પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ છે ત્યારે બન્ને દેશો પરસ્પર સહયોગ દ્વારા વિકાસની નવી ઉંચાઇ હાંસલ કરશે. ઇન્ડો-ઈઝરાયલ પાર્ટનરશીપના પ્રતીક સમા સાબરકાંઠાના વદરાડ સેન્ટર ઓફ એક્સેસલન્સ ખાતે બન્ને દેશના પ્રધાનમંત્રીઓએ કચ્છ જિલ્લાના કુકમા ખાતે નવનિર્મિત ખારેકના પાક માટેના સેન્ટર ઓફ એક્સેલન્સનું ડીજીટલી લોકાર્પણ કર્યુ હતુ. અને વદરાડ કેન્દ્ર ખાતે ઇન્ડો-ઇઝરાયલના ૨૫ વર્ષના સહયોગની સ્મૃતિરૂપ સ્મૃતિસ્તંભનું અનાવરણ પણ કર્યુ હતુ. મહાનુભાવોએ પ્લગ નર્સરીની પણ મુલાકાત લીધી હતી.