(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
મોદી સરકાર હવે લોકોના કમ્પ્યુટર પર પણ નજર રાખશે. સરકારને એવું જણાશે કે તમે કોઇ દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ છો અથવા કોઇ એવું કામ કરો છો જેનાથી દેશને નુકસાન થઇ શકે છે તો તે કોઇપણ આદેશ વિના તમારા કમ્પ્યુટરની વિગતો લઇ શકે છે. કેન્દ્ર સરકારે પોતાની એજન્સીઓને દેશમાં ચાલી રહેલા કોઇપણ કમ્પ્યુટરમાં ઘુસીને જાસૂસી કરવાની ખુલ્લી છૂટ આપી દીધી છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોથી લઇ એનઆઇએ સુધી ૧૦ કેન્દ્રીય એજન્સીઓ હવે કોઇપણ કમ્પ્યુટરમાં રહેલી રિસીવ અને સ્ટોર્ડ ડેટા સહિત કોઇપણ જાણકારીની તપાસ, ઇન્ટરસેપ્ટ અને ડિક્રિપ્ટ કરી શકે છે. ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ૧૦ એજન્સીઓ પાસે અધિકાર છે કે, તેઓ કોઇપણ કમ્પ્યુટરના ડેટાને ચેક કરી શકે છે. આ એજન્સીઓમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો, પ્રવર્તન નિર્દેશાયલ(ઇડી), સેન્ટ્રલ ટેક્સ બોર્ડ, મહેસૂલી ગુપ્તચર નિર્દેશાલય, કેન્દ્રીય તપાસ બ્યૂરો, રાષ્ટ્રીય તપાસ એજન્સી, કેબિનેટ સચિવાલય(આર એન્ડ ડબલ્યુ), ડાયરેક્ટર ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ(જમ્મુ-કાશ્મીર, નોર્થઇસ્ટ અને આસામ માટે) અને દિલ્હીના પોલીસ કમિશનરનું નામ સામેલ છે.
આ આદેશ અનુસાર તમામ સબ્સક્રાઇબર અથવા સર્વિસ પ્રોવાઇડર અને કમ્પ્યુટરના માલિકોએ તપાસ એજન્સીઓને તપાસમા સહકાર આપવો પડશે. જો તેઓ એવું નહીં કરે તો સાત વર્ષની સજા સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયે આઇટી એક્ટ ૨૦૦૦ અંતર્ગત ૬૯(એ)ની કલમના સંદર્ભ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની એકતા અને અખંડિતતા ઉપરાંત દેશની સુરક્ષા અને શાસન વ્યવસ્થા જાળવી રાખવાની દૃષ્ટીએ જરૂરી લાગે તો સરકાર કોઇ એજન્સીને તપાસ માટે તમારા કમ્પ્યુટરને એક્સેસ કરવાની પરવાની આપી શકે છે. બીજી તરફ આ આદેશને સમજાવતા સમાચાર એજન્સીએ સરકારના સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે, ટેલિગ્રાફ એક્ટની જેમ આઇટી એક્ટમાં પણ ડિજિટલ ડેટાને ઇન્ટરસેપ્ટ કરવાનો કોઇ વિકલ્પ નથી.