વેલિંગ્ટન,તા.૨૪
ભારતીય બેટ્‌સમેનોની નિષ્ફળતા બીજી ઈનિંગ્સમાં પણ ચાલુ રહી અને આ કારણે ન્યૂઝીલેન્ડે બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ૧૦ વિકેટથી જીત મેળવી લીધી. આ સાથે જ બે ટેસ્ટની સીરિઝમાં ૧-૦થી લીડ ન્યૂઝીલેન્ડને મળી ગઈ છે. દુનિયામાં દરેક જગ્યાએ સારું પરફોર્મ કરનારી રવિ શાસ્ત્રીની આ ટીમ બંને ઈનિંગ્સમાં મળીને કુલ ૩૫૬ રન બનાવી શકી. પહેલી ઈનિંગ્સમાં ભારતે માત્ર ૧૬૫ રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગ્સમાં જ ૩૪૮ રન બનાવીને ભારત પર ૧૮૩ રનની લીડ મેળવી લીધી હતી. મેચમાં ૧૧૭ રન આપી ૯ વિકેટ ઝડપનાર સાઉથી મેન ઓફ ધ મેચ બન્યો. ટીમ ઈન્ડિયાનું વર્ષ ૨૦૧૩ પછી સૌથી કરારી હારનો સામનો કરવો પડ્યો છે. બે ટેસ્ટ મેચોની સિરિઝમાં ન્યૂઝીલેન્ડ ૧-૦થી આગળ. બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ૨૯ ફેબ્રુઆરીએ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાશે.
ભારતીય બેટ્‌સમેનો બીજી ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યા અને માત્ર ૧૯૧ રન જ બનાવી શક્યા જેથી કીવી ટીમને જીત માટે માત્ર ૯ રન બનાવવાના હતા. તેણે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના જ આ રન બનાવીને જીત મેળવી લીધી. લાથમ ૭ અને ટોમ બ્લંડલ ૨ રન બનાવીને અણનમ રહ્યા. આ ન્યૂઝીલેન્ડની ૧૦૦મી ટેસ્ટ જીત પણ છે.
ન્યૂઝીલેન્ડ માટે ટીમ સાઉથીએ બીજી ઈનિંગ્સમાં ૫ વિકેટ લીધી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે ૪ વિકેટ લીધી. સાઉથીએ પહેલી ઈનિંગ્સમાં પણ ૪ વિકેટ લીધી હતી. આમ તેણે મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી.