(એજન્સી) ગાંધીનગર, તા.૧૪
દેશમાં થયેલ બેનામી નાણાકીય વ્યવહારની ર૬ ટકા લેવડદેવડ ગુજરાતમાં થઈ છે પરંતુ આવકવેરા વિભાગ ખાતાની કાર્યવાહી બાદ માત્ર ૧ ટકા ધનની જ વસૂલાત થઈ છે. ગત ૮ નવેમ્બર બાદ દેશમાં નોંધાયેલા પ૧૭ કેસમાંથી ૧૩પ કેસ ગુજરાતના છે. નોંધનીય બાબત છે કે કુલ રૂા.૧,૮૮૩ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ અને બેંક ખાતામાંથી સૌથી ઓછી વસૂલાત કે પુનઃપ્રાપ્તિ ગુજરાતમાં થઈ છે. જે માત્ર ૧૪ કરોડ રૂપિયા છે. અન્ય શબ્દોમાં માત્ર ૦.૭૪ ટકા. નોંધાયેલા ૧૩પ, કેસોમાંથી આ વર્ષમાં ઓક્ટોબર સુધી માત્ર ૭૧ કેસની જ કાર્યવાહી કરવામાં આવી હતી. ૧૩પ કેસમાંથી સુરતના ૯૭ કેસ જ્યારે અહેમદબાદના ૩૮ કેસ છે. જે ૭૧ મામલે કાર્યવાહી કરવામાં આવી છે તેમાંથી ૪૮ સુરતના જ્યારે ર૩ અહેમદાબાદના છે. આ વર્ષે નવેમ્બર સુધી નોંધાયેલ બેનામી લેવડદેવડના કેસમાં ગુજરાતમાં ૧૩પ કેસ સાથે મોખરે છે ત્યારબાદ મધ્યપ્રદેશમાં ૯૩ કેસ, કર્ણાટક અને ગોવામાં ૭૬ કેસ, તમિલનાડુમાં ૭ર કેસ, રાજસ્થાનમાં ૬ર કેસ, મહારાષ્ટ્રમાં ૬૧ કેસ અને પપ કેસ દિલ્હીમાં નોંધાયા હતા.