(એજન્સી) તા.૧૮
અમેરિકામાં પ્રગતિશીલ સંગઠનોના એક છત્ર સંગઠન ધી અલાયન્સ ફોર જસ્ટીસ એન્ડ એકાઉન્ટેબિલિટીએ (એજેએ) ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ વધતી જતી ટોળા હિંસા અને આવા બળોની હિંમત ખુલી જાય એવી સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા અમેરિકાના ત્રણ શહેરોમાં વિરોધ દેખાવોનું આયોજન કર્યું હતું.
વોશિંગ્ટન ડીસી સાનડીએગો અને સાનજોસ ખાતે ૧૬ જુલાઇના રોજ વિરોધ દેખાવો યોજાયા હતા અને હવે ૨૩ જુલાઇએ ન્યૂયોર્ક સિટીમાં ચોથા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ દેખાવો ભારતમાં ‘નોટ ઇન માય નેમ’ અભિયાન હેઠળ જે દેખાવો કરવામાં આવ્યા હતા તેની પેટર્ન પર અમેરિકામાં આ દેખાવો કરાયા હતા.
એજેએ કોએલિશન ઉપરાંત સાનજોસમાં મલ્ટિફેઇથ વોઇસીસ ફોર પીસ એન્ડ જસ્ટીસ સાથે સંયુક્ત રીતે યોજવામાં આવ્યા હતા. જ્યારે ૨૩ જુલાઇએ ન્યૂયોર્ક સિટીમાં યોજાનારા વિરોધ દેખાવોમાં ધ સાઉથ એશિયા સોલિડારિટી ઇનિશિએટીવ (એસએએસઆઇ) પણ જોડાશે. એજેએના નિવેદનમાં જણાવાયંુ હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ગૌરક્ષાના નામે મોટા ભાગે મુસ્લિમો અને દલિતોની પાશવી હત્યા કરવામાં આવી રહી છે અને તેમાં ગત વર્ષે સપ્ટેમ્બર બાદ આવી ડઝન જેટલી ઘટનાઓ ઘટી છે.
આ હત્યા ભાજપ શાસિત સંઘીય સરકાર સાથે સંલગ્ન હિંદુ ઉગ્રવાદી જૂથોની રાહબરીમાં કરવામાં આવી રહી છે. નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે ૨૦૧૫થી ખાસ કરીને માત્ર બીફ રાખવાના કે રાંધવાના શક પર અત્યંત ક્રૂર રીતે સંખ્યાબંધ મુસ્લિમોની હત્યા કરવામાં આવી છે અથવા તો તેમને લટકાવી દેવાયા છે કે તેમની સાથે પાશવતા આચરવામાં આવી છે. સામ ડિએગોમાં યુએસએસ મિડવે મ્યુઝિયમ નજીક દેખાવકારોએ ‘ઇન્ડિયા-હોસ્ટેડ ટુ હિંદુત્વ’ અને ‘બીફ બાન ઇઝ ક્લચરલ ફાસીઝમ’ એવા સાઇન બોર્ડ સાથે દેખાવો કર્યા હતા. એ જ રીતે વોશિંગ્ટન ડીસીમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા.