(એજન્સી) લંડન, તા. ૨૬
થોમસન રોયટર્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભારતને મહિલાઓ માટે વિશ્વમાં સૌથી ખતરનાક દેશ ગણાવવામાં આવ્યો છે. સર્વે મુજબ મહિલાઓની સુરક્ષાની બાબતમાં અફઘાનિસ્તાન,ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, પાકિસ્તાન, સીરિયા અને સોમાલિયા પણ ભારત કરતા સારા છે. આ મુદ્દે ટોચના ચાર દેશોમાં અફઘાનિસ્તાન, સીરિયા અને સોમાલિયાનો સમાવેશ થાય છે. સાત વર્ષ પહેલા કરવામાં આવેલા સર્વેમાં ભારત ચોથા ક્રમે હતું પરંતુ આ વખતે ભારત સૌથી મોખરે છે. મહિલાઓ સંબંધિત મુદ્દાઓ અંગેના ૫૪૮ એક્સપટ્‌ર્સ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મહિલાઓની સુરક્ષા નક્કી કરવા માટે ધ્યાનમાં કે ઉપયોગમાં લેવામાં આવેલા માપદંડોમાં મહિલાઓ સામેના એકંદર જોખમોમાં ખાસ કરીને આરોગ્ય, આર્થિક સંસાધનો અને જાતિ ભેદભાવ, સાંસ્કૃતિક, આદિવાસી, ધાર્મિક કે પરંપરાગત પ્રથાઓ, જાતીય હિંસા અને પજવણી, જાતીય સિવાયની હિંસા, માનવ તસ્કરી ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા હતા. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૨ પછી ભારતમાં બળાત્કારની ઘટનાઓ ઘટવાને બદલે વધી જતાં ટીકાકારોએ મહિલાઓની સુરક્ષા માટે પૂરતા પગલાં નહીં ભરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ આંગળી ચિંધી છે. મહિલાઓ સાથે સંબંધિત મુદ્દાઓમાં ૭૫૯ નિષ્ણાતોએ સર્વેનો અભ્યાસ કર્યો હતો અને તેમનામાંથી ૫૪૮ નિષ્ણાતોએ જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના ૧૯૩ સભ્ય રાષ્ટ્રોમાં આ સર્વે કરવામાં આવ્યો છે. ભારતને શા માટે મહિલાઓ માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવવામાં આવ્યો ? આ બાબતે થોમસન રોઇટરે જણાવ્યું કે વિશ્વમાં સૌથી વસતીવાળા બીજા નંબરનો દેશ ભારતને મહિલાઓ માટે સૌથી ખતરનાક ગણાવવાના ત્રણ મુખ્ય કારણો છે. આ કારણોમાં જાતીય હિંસાના જોખમો અને પજવણી, સાંસ્કૃતિક આદિવાસી અને પરંપરાગત પ્રથાઓથી મહિલાઓ સામે જોખમો તેમજ બળજબરીથી કામ કરાવવું, જાતીય ગુલામી, ઘરેલું બંધન કે ગુલામી સહિત માનવ તસ્કરીનો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં ૨૦૧૨માં ચાલુ બસમાં એક વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી ત્યારથી ભારતમાં મહિલાઓ સામેની હિંસા અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવામાં આવે છે.

મહિલા અધિકારીઓથી માંડીને નોકરાણીઓ સમગ્ર ભારતમાં જાતીય હિંસા અને પજવણીના ખતરાઓનો સામનો કરે છે

દિલ્હીમાં ૨૦૧૨ના નિર્ભયાકાંડનો સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને જાતીય સતામણી તેમજ દુષ્કર્મ સામે કાયદાઓ વધુ કડક બનાવવામાં આવ્યા છે. નિર્ભયાકાંડ બાદ મહિલાઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હોવા છતાં ૨૦૧૬માં દુષ્કર્મની આશરે ૪૦,૦૦૦ ઘટનાઓ સર્જાઇ છે. મહિલા અધિકારીઓથી માંડીને નોકરાણીઓ સમગ્ર ભારતમાં જાતીય હિંસા અને પજવણીના ખતરાઓનો સામનો કરે છે. નવી દિલ્હીમાં રહેતા કનિકા જોહરીએ થોમસન રોઇટર ફાઉન્ડેશનને જણાવ્યું કે તેઓ પોતાના ઘરેથી બહાર નીકળતા પહેલા મરી સ્પ્રે, સેફ્ટી એપ્સ અને કાપડથી બરાબર પોતાને ઢાંકી લે છે. કનિકાએ નવી દિલ્હીને ‘ભારતની દુષ્કર્મની રાજધાની’ ગણાવી છે. કનિકા ઘરેથી બહાર નીકળતા પહેલા પોતાની જાતને જેવી રીતે સુસજ્જ કરે છે, તે તેમના મિત્રો અને ભારતના રહેતા પરિવારો માટે પણ જરૂરી છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે દર કલાકે મહિલાઓ સામેના આશરે ૪૦ ગુના થાય છે. ૨૮ વર્ષીય કનિકા છેલ્લા ૭ વર્ષથી માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે કામ કરે છે અને શેરી, બસ, મેટ્રો ટ્રેન અને ઓફિસમાં દરરોજ પુરૂષો તેમની તરફ ત્રાંસી નજરે જુએ,આંખ મારે , કેટ-કોલ કરે, તેમનો પીછો કરે છે અને ક્યારેક બદઇરાદા સાથે તેમને સ્પર્શ કરવા સહિતની ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હતા, ગયા વર્ષે જ તેમણે નોકરી છોડી દીધી છે. તેમણે એવું પણ કહ્યું કે તેમની જે સ્ટોરી છે એ ભારતમાં સામાન્ય છે. ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતી મહિલાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે કંપની-પેડ ટેક્સીમાં જવાનું પસંદ કરે છે. મહિલાઓનેે સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન અને ઓફિસમાં જાતીય પજવણી સામે ઝીરો ટોલરન્સની જરૂર છે.