(એજન્સી) પેરિસ, તા.૧૬
દેશમાં લાંબા સમયથી કાળાનાણાં વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશને મોટો ફટકો પડી શકે છે. ખાસ કરીને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશની બાબતમાં આવું બની શકે છે. હકીકત એ છે કે સ્વિટ્ઝર્લેન્ડના એક મોટા રાજકીય પક્ષે કાળાનાણાં અંગે જાણકારી આપવાનો વિરોધ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્વિટ્ઝર્લેન્ડની જમણેરી અને સૌથી મોટી પાર્ટી સ્વિસ પીપલ્સ પાર્ટીએ ભારત સહિત ૧૧ દેશોને ટેક્સ ફ્રોડ સાથે સંકળાયેલા ડેટા આપવાનો સખત વિરોધ કર્યો છે. સ્વિટ્ઝર્લેન્ડ અને ભારત વચ્ચે વર્ષ ૨૦૧૬માં એક કરાર થયો હતો જેના હેઠળ બંને દેશો ટેક્સ ચોરી રોકવા માટે એક બીજાના બેંક ખાતાઓની ગુપ્ત માહિતી શેર કરવા સંમત થયા હતા. સ્વિટ્ઝર્લેન્ડનો એ દેશોમાં સમાવેશ થાય છે જ્યાંની બેંકોમાં ભારતીયો દ્વારા સૌથી વધુ કાળુંનાણું જમા કરવાના આરોપો થઇ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સ્વિસ અર્થતંત્રમાં વિદેેશોથી આવતા કાળાનાણાંની મહત્વની ભૂમિકા છે.
રિપોર્ટ અનુસાર સ્વિસ પીપલ્સ પાર્ટીએ ગત સપ્તાહે એક લિસ્ટ જારી કર્યુ હતું જેમાં ભારત, આર્જેન્ટિના, બ્રાઝીલ, ચીન, રશિયા, સઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, કોલંબિયા, મેક્સિકો, દ.અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતને ભ્રષ્ટાચારી દેશો ગણાવ્યા હતા. સ્વિસ પીપલ્સ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એલ્બર્ટ રોસ્ટીએ જણાવ્યું હતું કે અમે ઇચ્છતા નથી કે આવા દેશોને બેંકનો ડેટા આપવામાં આવે. તેમણે એવો દાવો કર્યો છે કે આ દેશોને ગુપ્ત ડેટા આપવાથી ત્યાંના ટેક્સ અધિકારીઓ ગ્રાહકોને ધમકાવશે અને બ્લેકમેલ કરશે.
રિપોર્ટ અનુસાર સ્વિસ અખબાર ટેજેસ એન્જિનિયરે ભારત સહિત આ તમામ દેશોને અર્ધસરમુખત્યારી દેશો ગણાવ્યા છે. રિપોર્ટ અનુસાર સ્વિસ પીપલ્સ પાર્ટીએ એવો દાવો કર્યો છે કે સ્વિસ સંસદમાં પણ તેને અન્ય કેટલાય પક્ષોનું આ મુદ્દે સમર્થન પ્રાપ્ત છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત સ્વિસ ટેક્સ માહિતી વિનિમય પ્રક્રિયા અટકાવવા માટે દેશની સંસદમાં તેમને અન્ય પક્ષોનો ટેકો મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૫ જુલાઇ ૨૦૧૭ના રોજ સ્વિસ ફેડરલ એડમિનિસ્ટ્રેટીવ કોર્ટે જાહેર કર્યું હતું કે સ્વિસ કર સત્તાવાળાઓએ બે ભારતીય ક્લાયન્ટ સંબંધિત એચએસબીસી બેંકના ડેટા ભારતને આપવામાં મદદ કરવી પડશે.
– નુપૂર તિવારી (સૌ. : ધ વાયર)
ભારત માટે ફટકો : કાળાનાણાં વિરૂદ્ધની લડાઇમાં સ્વિટ્ઝર્લેન્ડના સૌથી મોટા રાજકીય પક્ષે રોડાં નાખ્યાં

Recent Comments