નવી દિલ્હી, તા. ૨૭
ભારતીય સેનાએ ઉગ્રવાદી સંગઠન સોશયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-ખાપલાંગ (એનેસસીએન-કે) વિરૂદ્ધ જવાબી ગોળીબાર કરતા ઉગ્રવાદીઓને ભારે માત્રામા નુકસાન પહોંચાડ્યું હતું. ભારતીય સેનાના પૂર્વ કમાન્ડના આ ઓપરેશનમાં ઘણા ઉગ્રવાદીઓ ઠાર થયા હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. બીજી તરફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય સૈન્યની ટુકડીઓને કોઇ નુકસાન નહોતું થયું. સેનાએ આ ઓપરેશન આસામ-નાગાલેન્ડની સરહદ પાસે ચલાવ્યું હતું જોકે, સેનાએ સ્પષ્ટતા કરી છે કે, તેણે આ ઓપરેશન મ્યાનમારની સરહદમાં ઘુસીને કર્યું નથી. સેનાએ વહેલી સવારે જ આ ઓપરેશન આરંભ્યું હતું અને લંગખુ ગામ પાસે નાગા ઉગ્રવાદીઓ પર હુમલો કરી દીધો હતો. આ સ્થળ ભારત અને મ્યાનમાર બોર્ડરથી આશરે ૧૦-૧૫ કિલોમીટર દૂર છે.
સેનાની પૂર્વ કમાન્ડ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને મ્યાનમારની સરહદ પાસે તૈનાત ભારતીય સેનાએ એક દળ પર સવારે આશરે ૪.૪૫ વાગ્યે એનએસસીએન-કેના અજાણ્યા ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો. નિવેદનમાં એમ પણ જણાવ્યું છે કે, અમારા સૈન્ય દળે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ઉગ્રવાદીઓ પર જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ ઉગ્રવાદીઓ તરફથી ગોળીબાર રોકાઇ ગયો હતો અને તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મળતી માહિતીઓના આધારે ઉગ્રવાદીઓને ભારે નુકસાન થયું છે. જોકે,ભારતીય સૈન્યને કોઇ નુકસાન નહોતું થયું. ભારતીય દળોએ તરત સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દેશના સૈન્યને કોઇપણ પ્રકારની હાનિ થઇ નથી. સેનાના નિવેદનમાં એવું પણ કહેવાયું હતું કે, ભારતીય સૈન્ય દળે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી નહોતી. સેનાએ ખાસ સ્પષ્ટતા કરી હતી કે, આ કોઇ સર્જિકલ સ્ટ્રાઇક નથી. બીજી તરફ આ ઓપરેશનમાં કેટલા ઉગ્રવાદીઓ માર્યા ગયાછે તેની પણ તાત્કાલિક કોઇ માહિતી મળવા પામી નહોતી. આ પહેલા જૂન ૨૦૧૫માં પણ સેનાએ મણિપુરમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન વિરૂદ્ધ આજ પ્રકારની કાર્યવાહી કરી હતી. તે ઓપરેશનમાં પણ ઘણા ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા અને તેમના કેમ્પ ઉડાવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ વડાપ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ પહેલા પણ આ પ્રકારનુું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારત અને મ્યાનમાર સરહદે ઉગ્રવાદી સંગઠન એનએસસીએન-કેના એક ઉગ્રવાદી કેમ્પને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું જેમાં એક આતંકવાદીને ઠાર કરાયો હતો.