અમદાવાદ, તા.ર૪
રાજ્ય સરકારના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલની આગેવાની હેઠળ ગુજરાતનું વાયબ્રન્ટ ગુજરાત પ્રતિનિધિમંડળ અમેરિકાના પ્રવાસે છે. આ પ્રતિનિધિ મંડળે કોનકોર્ડ, કેલિફોર્નિયા ખાતે પેસિફિક સ્ટેટ એવિએશન (પીએસએ) ઇન્કના વર્લ્ડ-ક્લાસ ફ્લાઇટ પ્રશિક્ષણ સ્થાનની મુલાકાત લઇ મહેસાણા ખાતે ભારતના ભાવિ પાયલોટોને ઉડ્ડયન તાલીમ માટે ફ્લાઇટ સ્કૂલ અને તાલીમ કેન્દ્રની સ્થાપના કરાવા માટે એમ.ઓ.યુ. કર્યા હતા. રે એવિએશનના શ્રી ગૌરાંગ શાહે કંપનીના માલિક વતી તથા પીએસએ વતી શ્રી રશીદ યાહ્યાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ વાયબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિ મંડળે પેસિફિક સ્ટેટ એવિયેશન ઇન્ક અને બ્લુ રે એવિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના મહેસાણા ખાતે ભાવિ ભારતીય પાયલોટને ઉડ્ડયન તાલીમ આપવા માટે અને કોનકોર્ડ, યુએસએમાં તેમની હાલની એકેડમી માટે સંયુક્ત ઉપક્રમે કંપની રચવા એમઓયુ સાઈન કર્યા હતા. આ કંપની એરક્રાફ્ટ એન્જિનિયરો અને ગ્રાઉન્ડ સ્ટાફને પણ તાલીમ આપશે. પીએસએ દ્વારા, બ્લુ રે એવિએશન ડીજીસીએ ધોરણોને પ્રશિક્ષણ આપશે અને ફ્લાઇટ પ્રશિક્ષણની યુ.એસ. પદ્ધતિનો સમાવેશ કરશે. આ માટે કંપની આવશ્યક તકનીક, અભ્યાસક્રમ અને અન્ય તમામ ઇનપુટ આપશે. સાથે સાથે બ્લુ રેને સિમ્યુલેટર માટે પણ ઓફર કરશે. જેમાં મેઇન્ટેનન્સ અને ઓપરેશન્સ (એમઆરઓ) એકમ પણ ચલાવશે અને ચાર્ટર પર એરક્રાફ્ટ પણ ઓફર કરશે. આ ઔપચારિક કરાર ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી કરવામાં આવશે.
અમેરિકામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રતિનિધિમંડળના અરવિંદ અગ્રવાલએ આ બે કંપનીઓ વચ્ચેના એમઓયુને આવકારીને જણાવ્યું હતું કે, આ ભાગીદારી ગુજરાત અને ભારતના સામાન્ય ઉડ્ડયન ક્ષેત્રમાં નવા દ્વાર ખોલશે અને ગુજરાત ઉડ્ડયન ક્ષેત્રે નવા શિખરો સર કરી આ ક્ષેત્રે પણ રોજગારીનું સર્જન કરશે.