નવી દિલ્હી, તા.૩૧
ભારતીય બેડમિન્ટન ખેલાડી સી રાહુલ યાદવ અને પુરૂષ ડબલ્સમાં મનુ અત્રી તથા બી સુમીત રેડ્ડીએ નાઈઝીરિયામાં લાગોસ ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જમાં ક્રમશઃ પુરૂષ સિંગલ્સ અને ડબલ્સ ટાઈટલ જીતી લીધું. ચોથા ક્રમાંકના રાહુલે પોતાના વતનના કરણ રાજા રાજનને ર૧-૧પ, ર૧-૧૩થી હરાવ્યો. ગત વર્ષે મોરિશિયસ ઓપન જીતનારા રાહુલ સેમીફાઈનલમાં ટોચનો ક્રમાંક પ્રાપ્ત અને વિશ્વના પપમાં નંબરના ખેલાડી મીશા ઝિલ્બરલેનને હરાવ્યો હતો. ડબલ્સમાં ટોચના ક્રમાંકની મનુ અને સુમીતની જોડીએ સ્થાનિક જોડી ગાડવિન ઓલોફુઆ અને જુવોન ઓપેયોરીને ર૧-૧૩, ર૧ – ૧પથી પરાજય આપ્યો. મહિલા સિંગલ્સમાં ભારતની મુગ્ધો અગરે ફાઈનલમાં શ્રીલંકાની ટી પ્રમોદિકા હૈડાહેવા સામે હારી ગઈ.