(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
સરકારે સોમવારે ભાર આપ્યો હતો કે, એનઆઇએની તપાસકરવાની શક્તિનું વિસ્તરણ કરવું આતંકવાદને ક્યારેય સાંખી નહીં લેવાની તેની નીતિનો ભાગ છે અને આ રાષ્ટ્રહિતમાં છે. બીજી તરફ કોંગ્રેસના મનિષ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે, એનઆઇએ, યુએપીએ, આધાર જેવા કાયદાઓમાં સંશોધન કરીને સરકાર ભારતને ‘પોલીસ સ્ટેટ’માં ફેરવી નાખવાનો પ્રયાસ કરી રહી છે. નીચલા સદમાં એનઆઇએ સંશોધન ખરડો ૨૦૧૯ની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, તપાસ એજન્સીઓનો રાજકીય બદલા માટે દુરૂપયોગ કરવામાં આવે છે. તેમણે આ સંદર્ભમાં મીડિયામાં વિષયોને લીક કરવા અંગેનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
મનિષ તિવારીએ કહ્યું કે એ ધ્યાન રાખવા જેવી બાબત છે કે, જ્યાં સુધી કોઇ વ્યક્તિ દોષિત સાબિત ના થાય ત્યાં સુધી તે નિર્દોષ હોય છે. તેમણે તપાસ અને સુનાવણી બંનેમાં ફેર કરવાનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તિવારીએ એ પણ દાવો કર્યો કે, એનઆઇએ અધિનિયમની બંધારણીય કાયદેસરતાના વિષય અત્યારસુધી ઉકેલ લવાયો નથી કેમ કે તેની કાયદેસરતાને પડકાર આપનારી અરજીઓ હજુ પણ અદાલતોમાં પડતર છે. તેમણે કહ્યું કે, એનઆઇએ કાયદાને કેટલાક વિશેષ વિષયોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યા હતા. હવે આ વિશેષ કાનુનને અન્ય કાનુનની જેમ ના બનાવો. એનઆઇએ જેવી તપાસ એજન્સીને અન્ય પોલીસ એજન્સીની જેમ ના બનાવો. કોંગ્રેસ સભ્યે આરોપ લગાવ્યો હતો કે, એનઆઇએ, યુએપીએ અને આધાર જેવા કાનુનોમાં સંશોધન કરીને સરકાર ભારતને ‘પોલીસ સ્ટેટ’માં ફેરવી દેવા માગે છે. ખરડાને ચર્ચા તથા પસાર કરવા માટે રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત ખરડાથી એનઆઇએની તપાસનો દાયરો વધારી શકાશે અને તે વિદેશોમાં પણ ભારતીયો તથા ભારતીય સંપત્તિઓ સાથે જોડાયેલા કેસોની તપાસ કરી શકશે જેને આતંકવાદનો નિશાન બનાવવામાં આવ્યો હોય. તેમણે કહ્યું કે, આમાં માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા વિષયોની તપાસના અધિકાર આપવાનું કહેવાયું છે. રેડ્ડીએ કહ્યું કે, અમે આતંકવાદ વિરૂદ્ધ ક્યારેય સાંખી નહીં લેવાની નીતિ પર કામ કરી રહ્યા છીએ. આ ખરડો રાષ્ટ્રહિતમાં લવાયો છે. અમે સદનને આગ્રહ કરીએ છીએ કે તેને પસાર કરવામાં આવે. ચર્ચામાં ભાગ લેતા ભાજપના સાંસદ સત્યપાલસિંહે જણાવ્યું હતું કે, માનવતા અને દેશના હિતમાં આતંકવાદ સામે બધાએ મળીને લડવું જોઇએ. મુંબઇના પોલીસકમિશનર રહી ચુકેલા સિંહે જણાવ્યું કે, દુર્ભાગ્યની વાત એ છે કે, છેલ્લા ઘણા વર્ષોમાં આતંકવાદનું રાજકીયકરણ થયું છે. રાજકીય ફાયદા માટે આ બધું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૧૬૬ લોકોનો ભોગ લેનારા મુંબઇ પરના આતંકવાદી હુમલાના પગલે ૨૦૦૯માં રચાયેલી એનઆઇએના કાયદાનો વિરોધ કરતા મનિષ તિવારીએ કહ્યું કે, રાજકીય બદલા માટે એનઆઇએનો દુરૂપયોગ થઇ શકે છે અને મીડિયામાં મુદ્દાઓને લીક કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.