(એજન્સી) મુંબઈ, તા.૧૦
ભારતને મળેલી એક રાજદ્વારી સફળતામાં થાઈલેન્ડની કોર્ટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. થાઈલેન્ડની કોર્ટે કબૂલ્યું હતું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો સાગરિત તથા બેંગ્કોકમાં વર્ષ ર૦૦૦માં દાઉદના હરીફ છોટા રાજન પર હુમલો કરનારો મુદ્દસર હુસૈન સૈયદ ઉર્ફે મુન્ના જીંગડા ભારતીય નાગરિક છે. આ કેસમાં મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, પાકિસ્તાને પણ મુદ્દસરની કસ્ટડી મેળવવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ભારત અને પાકિસ્તાન છેલ્લા ૧૮ વર્ષથી મુદ્દસરની કસ્ટડી મેળવવા કાનૂની જંગ લડી રહ્યા હતા. બંને દેશોએ મુદ્દસર પોતાનો નાગરિક હોવાનો દાવો કર્યો હતો. મુદ્દસર રાજન પર હુમલા મામલે થાઈલેન્ડની જેલમાં બંધ છે. તે દાઉદનો શૂટર છે. ર૦૧પમાં નવેમ્બર માસમાં રાજનનું થાઈલેન્ડથી ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું અને હાલ તેની સામે ૭૦થી વધુ કેસો ચાલી રહ્યા છે. ર૦૧૪-૧પમાં મુદ્દસરના કુટુંબની લાંબી શોધખોળ બાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી અને તેના કુટુંબીજનો મુંબઈના પરા વિસ્તાર જોગેશ્વરીમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તેના માતા-પિતા અને બહેનના ડીએનએ સેમ્પલ મેળવી તેને તપાસ માટે મોકલાયા હતા. ફોરેન્સિક લેબોરેટરીના અહેવાલને પુરાવા તરીકે રજૂ કરાયો હતો.