(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
ચીન ભારત-પાકિસ્તાન વચ્ચેના મતભેદોનો ઉકેલ લાવવા સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે તેવું ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટીપ્પણી બાદ ભારતે ચીનને ઠપકો આપતાં એવું કહ્યું કે અમે દ્વિપક્ષીય માળખામાં પાકિસ્તાન સાથેના તમામ મતભેદોનો ઉકેલ લાવીશું આમાં ચીને દખલ દેવાની જરૂર નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ એવું કહ્યું કે મુખ્ય મતભેદના હાર્દમાં પાકિસ્તાની ભૂમિ પરથી ભારતની સામે છેડવામાં આવી રહેલા આતંકવાદ સંબંધિત છે. તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે જ્યાં સુધી કાશ્મીર મુદ્દાઓને લાગે વળગે છે ત્યાં સુધી સરકારનું વલણ એકદમ ચોખ્ખું અને સ્પષ્ટ છે. અમે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય માળખામાં રહીને તમામ પ્રકારના મતભેદોનો ઉકેલ લાવવા માટે તૈયાર છીએ. પરંતુ કાશ્મીર સહિત તમામ મુદ્દાઓનો ઉકેલ દ્વિપક્ષીય વાતચીતના માળખામાં રહીને જ લાવવાના ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ક્યાંય પણ કેમિકલ હુમલાની વિરૂદ્ધમાં છે. ગત વર્ષના જુલાઈમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયેલો આતંકવાદી બુરહાની વાનીના ગુણગાન ગાવા માટે લશ્કરની લખેલી સ્ક્રિપ્ટ વાંચવા બદલ બાગલેએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન બન્ને મહત્વના દેશો છે. કાશ્મીરમાં અંકૂશરેખાએ બન્ને દેશો વચ્ચેનો વિવાદ બન્ને દેશોની શાંતિ અને સ્થિરતા માટે યોગ્ય નથી.