નવી દિલ્હી, તા. ૫
રિલાયન્સના પ્રમુખ મુકેશ અંબાણી સતત ૧૦મા વર્ષે ભારતના સૌથી ઘનાઢ્ય વ્યક્તિ બન્યા છે જ્યારે અર્થતંત્ર નબળું પડ્યું હોવા છતાં તેઓ ૩૮ બિલિયન ડોલર (૨.૫ લાખ કરોડ)ની સંપત્તિ ધરાવે છે. વર્ષ ૨૦૧૬માં મુકેશ અંબાણી ૨૨.૭ બિલિયન અમેરિકી ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ રહેનારા સન ફાર્માના દીલીપ સંઘવી વર્ષ ૨૦૧૭ની ફોર્બ્સની ભારતના સૌથી ધનિક ૧૦૦ વ્યક્તિઓની યાદીમાં નવમા સ્થાને સરકી ગયા છે. તેઓની હાલની સંપત્તિ ૧૨.૧ બિલિયન ડોલર છે. વિપ્રોના અઝીમ પ્રેમજી ૧૯ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાનેથી સીધા બીજા સ્થાને આવી ગયા છે. ગત વર્ષની ફોર્બ્સની યાદીમાં તેઓ ચોથા સૌથી ધનિક ભારતીય હતા.
ફોર્બ્સે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના આર્થિક અખતરાની ભારતના કરોડપતિઓ પર ખાસ અસર પડી નથી જ્યારે ઓઇલ અને ગેસના માંધાતા મુકેશ અંબાણીને કોઇ પછાડી શક્યું નથી. આ રીતે મુકેશ અંબાણી ગત વર્ષની ૧૫.૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે આ વર્ષે પણ એશિયાના ટોચના પાંચ ધનિકોમાં સામેલ થવા જઇ રહ્યા છે. બીજી તરફ મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી ૩.૧૫ બિલિયન ડોલરની સંપત્તિ સાથે નીચલા મથાળે ૪૫મા ક્રમાંકે રહ્યા છે. તેઓ ગત વર્ષે ૩૨મા અને તેના પહેલાના વર્ષમાં ૨૯મા સ્થાને હતા. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, યોગગુરૂ બાબા રામદેવના નજીકના મનાતા પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલક્રિશ્ના ગત વર્ષના ૪૮મા સ્થાનેથી છલાંગ લગાવતા ૬.૫૫ બિલિયન ડોલરની સંપત્તિ સાથે સીધા ૧૯મા સ્થાને આવી ગયા છે. ફોર્બ્સે જણાવ્યંુ છે કે, અર્થતંત્રમાં અખતરા છતાં ભારતના ટોચના ૧૦૦ ધનિકોને કોઇ માઠી અસર નથી થઇ અને તેમની કરોડપતિ તરીકેની છાપ જળવાઇ રહી છે.