માન્ચેસ્ટર, તા.૧૦
પોઈન્ટ ટેબલ ઉપર ટોચના સ્થાને રહી સેમીફાઈનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયા માટે એક મેચનું ખરાબ પ્રદર્શન ભારે પડયું. ટીમ ઈન્ડિયાને આજે વરસાદના વિધ્નવાળી પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ૧૮ રને પરાજયનો સામનો કરવો પડ્યો. આ સાથે જ કોહલી બ્રિગેડના વર્લ્ડકપના સુવર્ણ અભિયાન ઉપર બ્રેક વાગી ગઈ. ભારત આ મેચ હાર્યું જરૂર પણ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની તોફાની બેટિંગ (૭૭)એ ક્રિકેટ પ્રેમીઓના દીલ જીતી લીધા. ન્યૂઝીલેન્ડના ર૩૯ રનના સ્કોરનો પીછો કરતાં ભારતે એક સમયે ૯ર રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી અને લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સંઘર્ષ કર્યા વિના જ હારી જશે. આવા સમયે રવિન્દ્ર જાડેજાએ અનુભવી ધોનીના માર્ગદર્શનમાં કીવી બોલરોને ટાર્ગેટ બનાવ્યા. બન્ને બેટ્સમેનોએ સાતમી વિકેટ માટે શતકીય ભાગીદારી કરી અને એક સમયે તો એવું લાગી રહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા મેચ જીતી જશે. જાડેજાના છગ્ગા-ચોગ્ગાની રમઝટે કીવી બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી. નિર્ણાયક સમયે જાડેજાના આઉટ થયા બાદ બધી જવાબદારી ધોનીના શિરે આવી ગઈ. છેલ્લી બે ઓવરમાં ભારતને જીત માટે ૩૧ રનની જરૂર હતી. ફર્ગ્યુસનની ૪૯મી ઓવરના પ્રથમ બોલે ધોનીએ પોઈન્ટ ઉપર સિકસર ફટકારી ભારતના વિજયની આશા જગાવી હતી પણ ઓવરના ત્રીજા બોલે ગુપ્ટીલના ડાયરેક્ટ થ્રોથી ધોની રનઆઉટ થતાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ ૪૯.૩ ઓવરમાં રર૧ રન બનાવી ઓલઆઉટ થઈ. આ પહેલા સ્વિંગ થતાં બોલની સામે ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શોએ એકવાર ફરી એ પોલ ખુલી દીધી કે જ્યારે જ્યારે બોલ સ્વીંગ થાય છે ત્યારે ભારતીય બેટિંગ લચર સાબિત થાય છે. ર૪૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ૧૦ ઓવરમાં જ ર૪ રનમાં ચાર મહત્ત્વની વિકેટ ગુમાવ્યા બાદ પંત અને હાર્દિક પંડ્યાએ ટીમનો રકાસ અટકાવવાનો પ્રયાસ કર્યો. બન્ને ધૈર્યથી બેટિંગ કરી ઈનિંગને આગળ વધારી રહ્યા હતા અને આ સમયે વિકેટ બચાવવી ઘણી જરૂર હતી જ્યારે લાગવા લાગ્યું કે આ બન્ને બેટ્સમેન ભારતને ૧૦૦ની પાર પહોંચાડી દેશે ત્યારે સેન્ટરની બોલિંગમાં પંત (૩ર) મીડવિકેટ ઉપર સિકસર ફટકારવાની ઉતાવળમાં આઉટ થઈ ગયો. ધોની અને પંડયાએ ઈનિંગ આગળ ધપાવી ત્યારે ભારતને અંતિમ ર૦ ઓવરમાં ૧૪૮ રનની જરૂર હતી તે સમયે પંડયાએ પણ મીડવિકેટ ઉપર સિકસર મારવાની ઉતાવળમાં વિકેટ ગુમાવી દીધી. આ બન્ને બેટ્સમેનોના બેજવાબદારીભર્યા ફટકા પણ ભારતના પરાજયનું કારણ છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમ સામે ર૪૦ રનનું લક્ષ્યાંક મૂક્યું હતું. આજે રિઝર્વ ડેમાં કીવી ટીમે મંગળવારના સ્કોર પાંચ વિકેટે ર૧૧ રનમાં ર૮ રનનો વધારો કર્યો. ન્યૂઝીલેન્ડે પોતાની નિર્ધારીત પ૦ ઓવરમાં ૮ વિકેટે ર૩૯ રન બનાવ્યા ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે હાઈએસ્ટ ૭૪ રનનું યોગદાન આપ્યું. જ્યારે કપ્તાન વિલિયમ્સને ૬૭ રનની ઈનિંગ રમી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી.
મેચમાં ટર્નિંગ પોઇન્ટ ગુપ્ટિલના ડાયરેક્ટ
થ્રો થી ધોની રનઆઉટ
માન્ચેસ્ટરના મેદાન પર આજે મેચ લો સ્કોરિંગ હોવા છતાં ખુબ જ રોમાંચક બની હતી. જાડેજા અને ધોનીએ છેલ્લે સુધી સદીની ભાગીદારી નોંધાવીને મેચને રોચક બનાવી હતી પરંતુ જાડેજા આઉટ થયા બાદ ધોની ઉપર જ્યારે મુખ્ય બાજી હતી ત્યારે ધોની માર્ટિન ગુપ્ટિલના ડાયરેક્ટ થ્રોથી નિર્ણાયક ક્ષણોમાં સંજોગથી આઉટ થતાં મેચમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો અને ભારતે આખરે આ મેચ ગુમાવી દીધી હતી. ધોનીએ આ મેચમાં ૭૨ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા અને છેલ્લે સુધી આશા જીવંત રાખી હતી.
Recent Comments