સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી મુલાયમસિંહ યાદવે આજે સંસદમાં ચીન અને પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવી દાવો કર્યો હતો કે, પાકિસ્તાન સાથે મળી ચીન ભારત પર હુમલો કરવા તૈયાર છે તેથી સરકાર તિબેટની સ્વતંત્રતાને સમર્થન કરી પોતાનું વલણ બદલે. ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી તંગદિલી વચ્ચે લોકસભામાં આ મુદ્દો ઉઠાવતા મુલાયમે જણાવ્યું હતું કે, સરકાર સંસદમાં જણાવે કે પાડોશી દેશને પડકાર આપવા માટે તેણે કયા પગલાં ભર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, ચીનના સૈનિકો પીઓકેમાં પાકિસ્તાની સૈનિકોને તાલીમ આપી રહ્યા છે અને ચીન અહીં માર્ગનું પણ કામ કરી રહ્યું છે. આ બાબતનો રાજદ્વારી રીતે વિરોધ કરવો જોઇએ. ચીનથી આજે ભારતને સૌથી મોટું જોખમ છે અને હું ઘણા વર્ષોથી સરકારને કહી રહ્યો છું પરંતુ કોઇએ પણ ધ્યાન આપ્યું નથી. ચીને પાકિસ્તાન સાથે મળી ભારત પર હુમલો કરવાની પૂરી તૈયારી કરી રાખી છે. ચીન સૌથી મોટો વિરોધી દેશ છે પરંતુ સરકારે અત્યારસુધી શું કર્યું. તેમણે કહ્યંુ કે, કાશ્મીરમાં ચીનની સેના પાકિસ્તાની સેના સાથે મળી ગઇ છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને જાણ હોવી જોઇએ કે, ભારતને નિશાન બનાવવા માટે ચીને પાકિસ્તાનમાં મોટાપાયે પરમાણુ હથિયાર ગોઠવ્યા છે.