(એજન્સી) જીનિવા, તા.ર૪
પાકિસ્તાને ભારત ઉપર આક્ષેપો મૂકતા કહ્યું કે ભારત એક શિકારીની જેમ વર્તી રહ્યું છે અને જો આંતરરાષ્ટ્રીય સમુદાય બંને દેશો વચ્ચેના ભયંકર સંઘર્ષને ટાળવા ઈચ્છે છે તો એમણે નવી દિલ્હીને ચેતવણી આપવી જોઈએ કે આક્રમક અને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ બંધ કરે.
સંયુક્ત રાષ્ટ્ર ખાતેના પાકિસ્તાની રાજદૂત મલિહા લોધીએ ભારતને દક્ષિણ એશિયાની ત્રાસવાદની માતા તરીકે જણાવ્યું હતું અને આક્ષેપો મૂક્યા હતા કે એ ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે.
સુષમા સ્વરાજના સંબોધન પછી પોતે જવાબ આપવાનો અધિકાર ધરાવે છે એને ધ્યાનમાં રાખી મલિહાએ ભારત ઉપર પ્રહારો કર્યા હતા. ભારતે ગઈકાલે પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠનોનો ઉલ્લેખ કર્યો હતો પણ કાશ્મીરનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. લોધીએ યુએનને વિનંતી કરી કે એ ભારતને જણાવે કે ભારતે યુદ્ધ વિરામ ભંગ નહિં કરવો જોઈએ. પાકિસ્તાન વિરૂદ્ધ ત્રાસવાદને પ્રોત્સાહન આપતા અટકાવે. ભારતે લોધીને જવાબ આપવાના પોતાના અધિકારનો ત્વરિત ઉપયોગ કર્યો ન હતો જેમાં પાકિસ્તાને આક્ષેપો મૂક્યા હતા કે ભારતમાં એનએસએ દોવલ બલુચિસ્તાનમાં દરમિયાનગીરી કરી રહ્યા છે. લોધીએ કહ્યું કે દુનિયાના બે દેશો જો વિવાદો ઉકેલી નહિ શકતા હોય તો યુએનની ફરજ છે કે એ દરમિયાનગીરી કરે અને વિવાદો ઉકેલવા મદદ કરે. યુએન દ્વારા બહાર પડાયેલ ઠરાવોનો કદી અંત આવતો નથી. એમનો અમલ કરવો અનિવાર્ય છે. એમાં સમય આડે આવતો નથી. કાયદાની કોઈ અંતિમ તારીખ નથી હોતી. ભારત યુએન દ્વારા કરાયેલ ઠરાવની અવગણના નહિ કરી શકે એનો અમલ એને કરવો જ પડશે. ત્રાસવાદની વ્યાખ્યા બાબત સુષમા સ્વરાજની ટિપ્પણી કરતા લોધીએ કહ્યું કે યુએને ત્રાસવાદની સ્પષ્ટ વ્યાખ્યા આપવી જોઈએ. એમણે કહ્યું કે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ સૌથી મોટો દંભી દેશ છે. એનું શાસન ફાસીવાદી તત્ત્વો કરી રહ્યા છે. સુષમાએ એમ.એ. જિન્હાની આલોચના કરી હતી એ પ્રકારના આક્ષેપો લોધીએ મૂક્યા હતા. એમણે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે પણ એ વાતચીતમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો પણ હોવો જોઈએ. જ્યાં શાંતિ સ્થાપનાની ખાસ જરૂર છે. પણ વાતચીત શરૂ કરતા પહેલા ભારતે ત્રાસવાદ બંધ કરવું જોઈએ. સુષમાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સામે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો પણ પાકિસ્તાને યોગ્ય પ્રતિભાવ નહીં આપ્યો. સુષમાએ સંબોધનમાં દ્વિપક્ષીય વાતચીત ઉપર જ ભાર મૂક્યો હતો.