(એજન્સી) તા.ર૪
યુએનજીએમાં ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનની તીવ્ર ઝાટકણી કાઢી હતી. જેના જવાબમાં પાકિસ્તાની રાજદૂત મલીહા લોધીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. લોધીએ ભારતની લેખિકા અરૂંધતિ રોયના નિવેદનોનું ઉલ્લેખ કર્યો હતો. એ સાથે એમણે રોયને સુષમાનો પ્રતિકાર કરવા પણ જણાવ્યું હતું. મલીહા લોધીએ રોયના નિવેદનને રજૂ કરતા કહ્યું કે ભારતની સમગ્ર દલિત, આદિવાસી, મુસ્લિમ અને ખ્રિસ્તી કોમો હાલમાં ભય હેઠળ જીવી રહી છે અને મોદી સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, ભારતના બિનસાંપ્રદાયિક સંગઠનો સરકારને ફાસીવાદ સરકાર કહી રહ્યા છે. રોયે ર૦૧પના વર્ષમાં પોતે મેળવેલ નેશનલ એવોર્ડ પાછું આપ્યું હતું તે વખતે એવોર્ડ વાપસીનો જુવાળ ફાટ્યો હતો. એમણે કહ્યું હતું કે એવોર્ડ વાપસી કટ્ટરવાદી વિચારધારાનો વિરોધ કરવાની સમાંતર ચળવળ છે. લોધીએ રોયના નિવેદનનો ભારત સામે આલોચના કરવા માટે ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ બાબતે રોય સાથે સંપર્ક કરાયો ત્યારે એમણે કહ્યું કે મેં આપેલ નિવેદનનો આ રીતે ઉપયોગ કરવામાં આવે એવી મારી જરાય ઈચ્છા નથી. એ સાથે હું પોતાના નિવેદનને વળગી પણ રહી છું. એમણે કહ્યું કે બધી જ સરકારો અને એમના પ્રવકતાઓ તકવાદી હોય છે. એમના કહેવાથી અમે લેખકો લખવાના નથી, અમને જે યોગ્ય લાગશે એ લખીશું. રોયે લખ્યું હતું કે ભારતમાં હાલ જે થઈ રહ્યું છે એ ફકત ત્રાસવાદ જ છે જે કાશ્મીર અને ભારતના અન્ય સ્થળોએ જોવાઈ રહ્યું છે. રોય એવોર્ડ વાપસી સમયે ર૦૧પના વર્ષમાં ઈન્ડિયન એક્સપ્રેસના લેખ લખ્યા હતા. જેના આધારે લોધીએ ભારતની તીખી આલોચના યુએનમાં કરી હતી. લોધીએ વધુમાં કહ્યું કે ભારતનું શાસન કટ્ટરપંથી શાસકોના હાથમાં છે. જે સંઘ સાથે જોડાયેલ છે. એ આજ સંઘ છે જેમણે મહાત્મા ગાંધીની હત્યા કરાવી હતી. કાશ્મીર ભારતનો ભાગ નથી જેના માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે નોંધ લેવી જોઈએ અને ભારત ઉપર દબાણ વધારવું જોઈએ. એમણે કહ્યું કે ભારત પાકિસ્તાનમાં ત્રાસવાદ ફેલાવે છે એનો દાખલો એમના પકડાયેલ જાસૂસ કુલભૂષણ યાદવથી સાબિત થાય છે. લોધીએ મોદીની પણ ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે મોદીએ ગુજરાતના રમખાણોમાં મુસ્લિમોની હત્યાઓ કરાવી હતી. ભારતમાં કોઈપણ લઘુમતી સુરક્ષિત નથી.