લીડ્‌સ, તા.૧૬
ગત મેચમાં મધ્યમ ક્રમની નબળાઈઓ ખુલ્લી પડી ગયા બાદ ભારતીય ટીમ આવતીકાલે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી નિર્ણાયક ત્રીજી અને અંતિમ વન-ડેમાં આ નબળાઈઓ દૂર કરવાનો પ્રયાસ કરશે જેમાં જીતથી કોહલીના ખેલાડી સતત ૧૦મી સિરીઝ પોતાના નામે કરી લેશે. લંડનમાં જીતથી ઈંગ્લેન્ડનું આઈસીસી રેન્કિંગમાં નંબર વનનું સ્થાન પાક્કુ થઈ ગયું છે. જ્યારે હેડીગ્લેમાં ભારત માટે જીત અંતર ઓછુ કરનારી અને પહેલી ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલાં આત્મવિશ્વાસ વધારનારી હશે દ્વિપક્ષીય વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. જાન્યુઆરી ર૦૧૬થી જોઈએ તો તેને ઓસ્ટ્રેલિયામાં ૧-૪થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો પણ ત્યારબાદથી તેણે દરેક દ્વિપક્ષીય સિરીઝ પોતાના નામે કરી છે. તેણે ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ(બે વાર), ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા (બે વાર), ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકાને ઘરેલુ અને તેમના મેદાન ઉપર પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયા માટે આ ઈંગલેન્ડ સામે વન-ડે શ્રેષ્ઠતા સાબિત કરવાની વધુ એકતા હશે કારણ કે ભારતે ર૦૧૧ બાદ આ હરીફ ટીમ વિરૂદ્ધ દ્વિપક્ષીય સિરીઝ ગુમાવી નથી.