માઉન્ટ મોંગેરી, તા.૧૧
ન્યૂઝીલેન્ડે અહીં રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ મેચમાં ભારતને ૫ વિકેટે પરાજય આપીને સિરીઝ ૩-૦થી પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમનો વનડે ક્રિકેટમાં આશરે ૩૧ વર્ષ બાદ વ્હાઇટ વોશ થયો છે. છેલ્લે ભારતને વર્ષ ૧૯૮૮/૮૯માં પાંચ મેચોની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝે ૫-૦થી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલ (૧૧૨) અને શ્રેયસ અય્યર (૬૨) રનની મદદથી ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૯૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે ૪૭.૧ ઓવરમાં ૫ વિકેટે ૩૦૦ રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ટી-૨૦ સિરીઝ ૫-૦થી જીત્યા બાદ ભારતે વનડે સિરીઝ ૩-૦થી ગુમાવી છે. હવે બંન્ને ટીમો વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ ૨૧ ફેબ્રુઆરીથી થશે.
૨૯૭ રનના લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે ૪૭.૧ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. આ હારની સાથે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. ૩૧ વર્ષ બાદ ભારતે કોઈ વનડે સિરીઝ એકપણ મેચ જીત્યા વિના ગુમાવી છે. કીવી ટીમ તરફથી આ મેચમાં હેનરી નિકોલ્સે ૮૦, માર્ટિન ગુપ્ટિલે ૬૬, કોલિન ડિ ગ્રાન્ડહોમ ૫૮ અને ટોમ લાથમે ૩૨ રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી ચહલે ૩, જાડેજા અને શાર્દુલને એક-એક સફળતા મળી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૫૦ ઓવરોમાં ૭ વિકેટ ગુમાવીને ૨૯૬ રન બનાવ્યા હતા. ભારત માટે કેએલ રાહુલે પોતાના વનડે કરિયરની ચોથી સદી ફટકારતા ૧૧૨ રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે ૬૨ અને મનીષ પાંડેએ ૪૨ રનની ઈનિંગ રમી હતી. આ સિવાય પૃથ્વી શોએ ૪૦ રનનું યોગદાન આપ્યું હતું.
એકવાર ફરી મયંક અગ્રવાલ અને પૃથ્વી શોની જોડી ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી ઓવરમાં મયંક અગ્રવાલ આઉટ થઈ ગયો હતો. અગ્રવાલને કાઇલ જેમીસને બોલ્ડ કરતા ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. અગ્રવાલે ૧ રન બનાવ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી માત્ર ૯ રન બનાવી હામિશ બેનેટનો શિકાર બન્યો હતો.
કેએલ રાહુલે પોતાના વનડે કરિયરની ચોથી સદી ફટકારી હતી. નંબર ૫ પર રાહુલની આ પ્રથમ વનડે સદી છે. રાહુલે પોતાની સદી ૧૦૪ બોલમાં પૂરી કરી હતી. રાહુલ ૧૧૩ બોલમાં ૧૧૨ રન બનાવી આઉટ થયો હતો. રાહુલે પોતાની ઈનિંગમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા.