ઈન્દોર, તા.૧૬
મયંક અગ્રવાલની રેકોર્ડ બ્રેક બેવડી સદી બાદ બીજા દાવમાં ઝડપી બોલર મોહમ્મદ શમીના તરખાટની મદદથી ભારતે ઈન્દોર ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં એક ઈનિંગ્સ અને ૧૩૦ રને વિજય નોંધાવ્યો છે. ભારતે ત્રીજા જ દિવસે મેચ જીતી લીધી છે અને બે ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. બાંગ્લાદેશ પ્રથમ દાવમાં ૧૫૦ રનમાં આઉટ થઈ ગયું હતું જેના જવાબમાં ભારતે છ વિકેટે ૪૯૩ રનના સ્કોરે પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. બીજા દાવમાં પણ બાંગ્લાદેશા બેટ્સમેનો લડત આપી શક્યા ન હતા અને ટીમ ૨૧૩ રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં ચાર એમ કુલ સાત વિકેટ ઝડપી હતી. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ૨૧મી તારીખે કોલકાતામાં રમાશે જે ડે-નાઈટ ટેસ્ટ હશે. ભારતની આ સતત છઠ્ઠી જીત છે. તે છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર ૨૦૧૮માં પર્થ ખાતે હાર્યું હતું. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની ૬માંથી ૬ મેચ જીતીને ૩૦૦ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને છે. મેચમાં બેવડી સદી ફટકારનાર મયંક અગ્રવાલને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.
ભારતે શનિવારે મેચના ત્રીજા દિવસે પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવવાના બદલે દાવ ડિકલેર કર્યો હતો. શુક્રવારના દિવસની રમતના અંતે ભારતનો સ્કોર છ વિકેટે ૪૯૩ રન હતો અને ભારતે આટલા સ્કોર પર જ દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ દાવમાં ભારત માટે મયંક અગ્રવાલે ૨૪૩ રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. જ્યારે ચેતેશ્વર પૂજારાએ ૫૪ અને અજિંક્ય રહાણેએ ૮૬ રન નોંધાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા ૬૦ રને નોટ આઉટ રહ્યો હતો.
બાંગ્લાદેશ બીજા દાવમાં લડત આપશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ભારતીય બોલર્સે તેમને સફળ થવા દીધા ન હતા. જોકે, પ્રથમ દાવની તુલનામાં બીજા દાવમાં તેમની બેટિંગ થોડી સારી રહી હતી. બાંગ્લાદેશની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. શમી અને અશ્વિને તરખાટ મચાવી દીધો હતો. પ્રવાસી ટીમે ૪૪ રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર શદમાન ઈસ્લામ અને ઈમરૂલ કૈઈસ છ-છ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા જ્યારે સુકાની મોમિનુલ હક સાત રન નોંધાવીને આઉટ થયો હતો.
ત્યારબાદ મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. અનુભવી ખેલાડી મુશફિકુર રહિમે લડત આપતા અડધી સદી ફટકારી હતી. રહિમે ૧૫૦ બોલનો સામનો કરતા સાત ચોગ્ગાની મદદથી ૬૪ રન નોંધાવ્યા હતા જે બીજા દાવમાં બાંગ્લાદેશના બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર હતો. આ ઉપરાંત લિટન દાસે ૩૫ અને મેંહદી હસન મિરાઝે ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. બીજા દાવમાં શમીએ ચાર અને અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવને બે તથા ઈશાન્ત શર્માને એક સફળતા મળી હતી.
ભારતનો ઇનિંગ અને ૧૩૦ રને વિજય

Recent Comments