(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
દિલ્હીમાં ઠંડીનાં તમામ રેકોર્ડ ધ્વસ્ત થઇ રહ્યા છે, સોમવારે હવામાન વિભાગે દિલ્હી તથા આસપાસના રાજ્યોમાં રેડ એલર્ટ જારી કર્યું હતું. રેડ એલર્ટ ઠંડી માટે સૌથી ઘાતક ચેતવણી છે. રાજધાનીમાં લઘુત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું જે આ મોસમમાં સરેરાશ તાપમાન કરતા ચાર ડિગ્રી ઓછું હતું, હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં વિતેલા ૧૧૯ વર્ષમાં આજ સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. ભારત હવામાન વિભાગએ એક નિવેદન જારી કરી કહ્યું છે કે ’દિલ્હીમાં છેલ્લા ૧૧૯ વર્ષોમાં આ જ ડિસેમ્બર મહીનામાં સૌથી ઠંડો દિવસ રહ્યો છે. કેમ કે બપોરે ૨.૩૦ વાગ્યે આજ દિવસમાં વર્ષ ૧૯૦૧ બાદ સૌથી ઠંડો દિવસ રહેવાની સંભાવનાં છે, રાજધાની વિસ્તારમાં મંગળવારે પણ આ જ રીતે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.
રાજધાનીમાં શનિવાર,૨૮ ડિસેમ્બર મોસમનો સૌથી ઠંડો દિવસ તરીકે નોંધાયો,જ્યારે લઘુત્તમ તાપમાન તાપમાન સવારે ૨.૪ ડિગ્રી સેલ્સીયસે પહોચી ગયું. હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું. જેના કારણે સરકારે મંગળવાર સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. જે બાદ ૧થી ૧૫ જાન્યુઆરી સુધી પણ રાજ્યમાં શિયાળાની રજાઓના કારણે સ્કૂલો બંધ રહેશે.
હવામાન વિભાગે દિલ્હીના અનેક ભાગો, હરિયાણા અને ચંદીગઢ તથા પંજાબના કેટલાક ભાગો, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કાતિલ ઠંડી માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે આ સાથે જ ચેતવણી આપી હતી કે, મંગળવાર પહેલા ઠંડીનો પારો નીચે જાય તેવી કોઇ સંભાવના નથી. દિલ્હી આ સાથે જ ડિસેમ્બરમાં ૧૯૯૩ બાદ સતત ૨૨ દિવસ સુધી કાતિલ ઠંડીનો સામનો કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. દરમિયાન કાશ્મીરના શ્રીનગરમાં માઇનસ ૬.૨ ડિગ્રી તાપમાનથી સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. દરમિયાન દલ સરોવર બરફની ચાદરથી થીજી ગયું છે. ગુલમર્ગમાં માઇનસ ૬.૬ જ્યારે અહીં રાતનું તાપમાન માઇનસ ૭.૫ હતું. બીજી બાજુ કાશમીરના પહલગામ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ઠંડીનો પારો માઇનસ ૧૦.૪ ડિગ્રી નોંધાયું છે. રાજ્યના લેહમાં માઇનસ ૧૯ તથા દ્રાસમાં માઇનસ ૨૮.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે. ઠંડીના કારણે ધુમ્મસ છવાતાં દિલ્હી વિમાની મથકે અંધારપટ છવાઈ ગયો હતો જેથી ત્રણ ફલાઈટો દિલ્હીથી બીજે ડાયવર્ટ કરાઈ હતી. હરિયાણામાં શાળા-કોલેજો બે દિવસ માટે બંધ રખાઈ છે. પાટનગર દિલ્હીમાં ભારે ધુમ્મસ છવાયું હતું જેથી રેલ, વાહન-વ્યવહાર અને હવાઈ સેવાઓ ખોરવાઈ હતી. રસ્તા પર વાહનો લાઈટો ચાલુ રાખી ફરી રહ્યા હતા. ર૯ ડિસેમ્બરે દિલ્હીમાં ઉત્તરાખંડમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. ૧૦૦ વર્ષના ઈતિહાસમાં આ વર્ષે ડિસેમ્બર મહિનો સૌથી વધુ ઠંડો રહ્યો. પુણેના સેન્ટરફોર કલાયમેન્ટ ચેન્જ રિસર્ચના વૈજ્ઞાનિક ડૉ.ભુવિન્દરસિંહના જણાવ્યા મુજબ જલવાયુ પરિવર્તન વેસ્ટર્ન ડીર્સ્ટબન્સની તીવ્રતાને અસર કરી રહ્યું છે. કાતિલ ઠંડીથી ઉત્તર ભારતમાં ૪૮ કલાકમાં ૩૮ લોકોનાં મોત થયા છે. ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદની ચેતવણી અપાઈ છે. હવામાન ખાતાએ દેશના ૮ રાજ્યોમાં સિનિયર કોલ્ડ ડે અને ૧ર રાજ્યોમાં શીતલહેરની આગાહી કરી છે.
સોમવાર છેલ્લા ૧૧૯ વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ બન્યો

Recent Comments