લંડન, તા.૩
બર્મિંઘમના એજબેસ્ટન મેદાન ઉપર રમાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બંને દેશોના પ્રશંસકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ૮૭ વર્ષના એક વૃદ્ધ મહિલા ભારત માટે ચીયર કરતા જોવા મળ્યા. મેચ દરમિયાન કેમેરામેને ઘણીવાર તેમની ઉપર ફોક્સ રાખ્યું. આ મહિલા બૂબૂઝીલા વગાડતા પણ જોવા મળ્યા, જોતજોતામાં તો આ મહિલા ઈન્ટરનેટ ઉપર સેનસેસન બની ગયા. સોશિયલ મીડિયા ઉપર મહિલાની તસવીરો વાયરલ થવા લાગી. આ બધા વચ્ચે ખાસ વાત એ છે કે, ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્મા આ વૃદ્ધ મહિલા પ્રશંસકને મળવા પહોંચી ગયા હતા. તેમનું નામ ચારૂલતા પટેલ છે અને તેમની ઉંમર ૮૭ વર્ષની છે. એએનઆઈ સાથેની વાતચીતમાં ચારૂલતાએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી હું મેચ જોવું છું. મને ચોક્કસ વિશ્વાસ છે કે, ભારત વર્લ્ડકપ જીતશે. ભારતના વિજય માટે હું પ્રાર્થના કરૂં છું. ચારૂલતાએ કહ્યું કે, જ્યારે કપિલ દેવના નેતૃત્ત્વમાં ભારતે ૧૯૮૩નો વર્લ્ડકપ જીત્યો ત્યારે પણ હું ત્યાં હતી. વિરાટનો ચારૂલતાને મળતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ક્રિકેટ વિશ્વકપે સત્તાવાર ટ્‌વીટર એકાઉન્ટથી શેર કર્યો છે. વિરાટે તસવીર શેર કરતા લખ્યું છે કે, અમારા બધા પ્રશંસકો ખાસ કરીને ચારૂલતા પટેલને અભિનંદન આપવા માંગું છું. તેઓ ૮૭ વર્ષના છે અને કદાચ સૌથી વધારે ભાવુક અને સમર્પિત પ્રશંસકોમાંથી એક છે.