(એજન્સી) જયપુર, તા. ૧૩
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુરે આજે જણાવ્યું હતું કે, અમે દેશને ધર્મશાળા બનવા દઇશું નહીં અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ બાદ અમે એનઆરસીને સમગ્ર દેશમાં લાગુ કરીશું. રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં પત્રકારોને સંબોધિત કરતા માથુરે કહ્યું હતું કે, સમગ્ર દેશ બાંગ્લાદેશી ઘૂષણખોરોની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. બાંગ્લાદેશી ઘૂષણખોરોની સમસ્યામાંથી દેશનું કોઇ શહેર કે જિલ્લો બાકાત નથી.
માથુરે કહ્યું કે, દેશને કોઇપણ ભોગે ધર્મશાળા બનવા દઇશું નહીં અને ૨૦૧૯ની ચૂંટણીઓ બાદ સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે. ભાજપના નેતાએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ પોતાના પરિવાર પ્રત્યે જ વફાદાર નથી કારણ કે, પૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દ્વારા જ એનઆરસીની પહેલ કરવામાં આવી હતી પણ ૧૦ વર્ષના શાસન છતાં યુપીએ એનઆરસી લાગુ કરવાની હિંમત દેખાડી શકી નથી. માથુરે વધુમાં જણાવ્યું કે, એનઆરસી ભાજપની પહેલ નથી અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર તેને આસામમાં લાગુ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે અને સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે.

દ્ગઇઝ્ર મુદ્દે ભાજપ કોમવાદી રાજકારણ રમી રહ્યું છે : ટીએમસી નેતા ફીરહદ હકીમ

તૃણમૂલ કોંગ્રેસના નેતા ફીરહદ હકીમે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઘૂસણખોર અંગેની ટિપ્પણી મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી અને એનઆરસી મુદ્દે કોમવાદી રાજકારણમાં સામેલ હોવાનો આરોપ તેમના પર લગાવ્યો હતો. અમિત શાહે શનિવારે મમતા બેનરજી પર આરોપ લગાવ્યો હતો કે, બંગાળમાં પોતાની મતબેંકને સલામત રાખવા તેઓ ગેરકાયદે ઘૂસણખોરોને સમર્થન કરી રહ્યા છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રી અને ટીએમસીના વરિષ્ઠ નેતા ફીરહદ હકીમે જણાવ્યું કે, ભાજપની નીતિ ભાગલા પાડો અને રાજ કરોની છે. તેઓ ગેરકાયદે વસાહતીઓ અને શરણાર્થીઓ તથા ઘૂસણખોરોને અલગ તારવી રહ્યા છે. તેમના અનુસાર હિંદુ શરણાર્થી છે અને મુસ્લિમ ઘૂસણખોર છે. આ નીતિ ભાગલા પાડો અને રાજ કરોની છે. આ એક અપરાધ છે. ધર્મના આધારે કોઇપણ લોકોના ભાગલા ના પાડી શકે. તૃણમૂલે એનઆરસી વિરૂદ્ધ રવિવારે રેલી પણ યોજી હતી. હકીમે કહ્યું કે, અમે ચોક્કસપણે ધ્યાન રાખીશું કે, આપણા દેશમાં કોઇ આતંકવાદી ના આવવો જોઇએ પણ અમે આતંકવાદના નામે કોઇના પર પણ જુલમ કરવાની કોઇને પરવાનગી આપીશું નહીં.